સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આજથી ભક્તિ અને શ્રધ્ધા પૂજન અર્ચનનો શુભ શ્રાવણ માસનો પ્રારંભ થયો. આમ તો આજે પુષ્પ નક્ષત્રમાં તેમજ સિધ્ધિ યોગમાં શ્રાવણ મહિનાનો પ્રારંભ થવાથી આ વેળાને ધર્મ, પૂજા પાઠ માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આજથી ત્રીસ દિવસ સુધી ભોળાનાથ મહાદેવની પૂજા અર્ચના સમગ્ર વર્ષનું ભક્તિયોગનું ભાથું બાંધવા માટે ખૂબ જ પવિત્ર દિવસો ગણાય છે. ભોળાનાથને બિલીપત્ર, દૂધ કે જળનો અભિષેક કરવાથી પણ ભોળાનાથ ખૂબ પ્રસન્ન થાય છે. આમ ગણો તો દેવાધિદેવ મહાદેવની ભક્તિ સૌથી સરળ છે. ખાલી એક લોટો જળનો અભિષેક અને ભોળાનાથનું નામ આપણાં અનેક કષ્ટો દૂર કરે છે આજે વાત કરવી છે સાવરકુંડલા શહેરમા હાથસણી રોડ પર બિરાજમાન શ્રી ઓમકારેશ્ર્વર મહાદેવ મંદિરની આ મહાદેવ મંદિરની સ્થાપના ૧૮-૧૧-૧૯૯૯ ના રોજ કરવામાં આવી અને પ્રતિષ્ઠાન તારીખ ૫-૧૨-૨૦૦૪ના રોજ સંપન્ન થયું. આમ તો સાવરકુંડલા શહેરમાં નાગનાથ સોસાયટી (ગુજરાત હાઉસીંગ સોસાયટી) ના કોમન પ્લોટમાં આ ભોળાનાથ મહાદેવના મંદિરનું નિર્માણ થયું. આ વિસ્તારના રહીશો ઉપરાંત આસપાસના લોકો પણ ભોળાનાથના દર્શનાર્થે આવતા જોવા મળે છે. આ મંદિરના પૂજારી ભાવેશગિરી નિયમિત સમયાનુસાર ભોળાનાથનું પૂજન અર્ચન આરતી અને મંદિરમાં દર્શન કરવા આવતાં લોકોને ભોળાનાથની પ્રસાદી સ્વરૂપે લોકકલ્યાણના આશીર્વાદ પણ આપે છે. અને સાચા અને શુધ્ધ મને ભોળાનાથનું દર્શન પૂજન કે શ્રવણગાન લોકોને અનેક કષ્ટો અને આધિવ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ આપે છે. ખરેખર ભોળાનાથનો મહિમા પણ અનેરો છે.. સૌ ભક્તજનોને શ્રાવણ માસના પ્રથમ દિવસે જયભોળાનાથ હર હર મહાદેવ.. દેવાધિદેવ મહાદેવ સૌનું કલ્યાણ કરે એવી પ્રાર્થના.

