Gujarat

જામનગર શહેરમાં ટૂંક સમયમાં લમ્પી રોગ અસરગ્રસ્ત પશુઓ માટે આઇસોલેશન વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.  

રાજ્યના કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા લમ્પી રોગચાળાના રસીકરણ અને સારવાર અંગે જામનગર મહાનગર પાલિકા ખાતે પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મંત્રીશ્રીએ પશુઓમાં પ્રસરી રહેલા લમ્પી વાયરસને લઈને શહેરની ગૌશાળાઓમાં ગૌપશુધનનું તાત્કાલિક વેકસીનેશન કરવું, પશુપાલકોને જરૂરી માર્ગદર્શન આપવું, રખડતાં ઢોરને પકડીને અલગ જગ્યાએ રાખવા, નિયમિત દવાઓનો છંટકાવ કરવો તેમજ પશુઓને ખોરાકની વ્યવસ્થા મળી રહે તે પ્રકારે તંત્રને જરૂરી સૂચનો કર્યા હતા. 

જામનગર શહેરમાં રખડતાં ઢોરોના વેકસીનેશન માટે વધારાના વાહનો, સાધનો, મેનપાવર વગેરેની વ્યવસ્થા કરી શહેરના અલગ અલગ વિસ્તારોમાં અત્યાર સુધી 4955 પશુઓનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. જામનગર તંત્ર દ્વારા વેકસીનેશન ડ્રાઈવમાં ખાનગી માલીકોના ઢોરોને પણ આવરી લેવામાં આવે છે. આ રોગ ચેપી હોવાથી માખી, મચ્છર, ઇતરડીથી ફેલાતો હોવાથી  ઢોર માલિકોને સાફ સફાઈ તેમજ જરૂરી કાળજી લેવા સૂચનો આપવામાં આવે છે. ઉપરાંત જામનગર મહાનગર પાલિકાની મેલેરિયા શાખા દ્વારા એન્ટિ પેરેસાઇટીક દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. 

જામનગર મહાનગર પાલિકા દ્વારા ટૂંક સમયમાં શહેરના વોર્ડ નં-6 માં અસરગ્રસ્ત પશુઓની સારવાર  માટે આઇસોલેશન વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. એનિમલ હેલ્પલાઈન ઉપરાંત જામનગર મહાનગર પાલિકા દ્વારા પશુઓની સારવાર માટે 24 કલાક જરૂરી સ્ટાફ સાથે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. પશુપાલકો, જાહેર જનતા લમ્પી સ્કીન ડીસીઝ વાઇરસ અસરગ્રસ્ત પશુઓની સારવાર માટે હેલ્પલાઈન નંબર ૯૦૯૯૧૧૨૧૦૧ ની મદદ લઈ શકશે.  ઉપરાંત અસરગ્રસ્ત પશુઓને સારવાર મળી રહે તે માટે માટે રાજ્ય સરકાર દ્વારા જામનગર શહેરમાં બે પશુ એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે. તેમજ જામનગર મહાનગર પાલિકા દ્વારા 5 એમ્બ્યુલન્સ સાથે વેટરનરી ડૉક્ટર તથા કોવિલિફાઇડ સ્ટાફની  ફાળવણી કરવામાં આવી છે. આ એમ્બ્યુલન્સને મંત્રીશ્રી એ લીલી ઝંડી આપી હતી. 

આ બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી મનીષભાઈ કટારિયા, ડેપ્યુટી મેયર શ્રી તપનભાઈ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી રમેશભાઈ મૂંગરા, શહેર ભાજપ પ્રમુખ શ્રી ડૉ. વિમલભાઈ કગથરા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી વસ્તાણી, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી હસમુખભાઈ, નોડલ ઓફિસર શ્રી ડૉ. અમિત કાનાણી, પશુપાલન નિયામક શ્રી ડૉ. અનિલ વિરાણી, ડૉ. હર્ષદ મેવાણી, પશુપાલનવિભાગના ડૉક્ટરશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

vibhapar-gaushala-dared-gaushala-10.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *