નાંદોદ તાલુકાના વાવડી ગામે આંગણવાડી કેન્દ્રમાં આવતા લાભાર્થી બહેનોએ
“પોષણ સુધા યોજના” અંગે આપ્યા પોતાના પ્રતિભાવો
———–
સામાન્ય મહિલાઓ કરતા સગર્ભાવસ્થામાં સવિશેષ પોષણની જરૂરિયાત હોય આદિવાસી જિલ્લાની બહેનો માટે આશિર્વાદરૂપ બનેલી સરકારશ્રીની “પોષણ સુધા યોજના”
———–
તંદુરસ્ત ભારતના નિર્માણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર મહિલાઓ અને બાળકો માટે સતત ચિંતિત રહે છે. બાળકોના સુપોષણ માટે અનેકવિધ યોજનાઓ પણ લાગુ કરવામાં આવી છે. ત્યારે મહિલાઓને પોષણક્ષમ આહાર પુરો પાડવા માટે રાજ્ય સરકારે “પોષણ સુધા યોજના” નો અભિગમ અપનાવ્યો છે. જે અંતર્ગત એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ નર્મદા જિલ્લામાં પ્રાયોગિક ધોરણે દેડીયાપાડા તાલુકાના ગામોમાં મહિલાઓ અને બાળકોમાં કુપોષણને દૂર કરવાના આશયથી “પોષણ સુધા યોજના” શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ આ યોજનાનું ગત તા.૧૮ મી જૂન,૨૦૨૨ ના રોજ વડોદરા ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરી સમગ્ર રાજ્યમાં આ યોજના લાગુ કરવામાં આવી હતી. જે અંતર્ગત નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં આ યોજનાનો હાલમાં સુચારું અમલ કરવામાં આવી રહ્યો છે.
નર્મદા જિલ્લો બહુલ આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો હોવાથી સિકલસેલ, એનિમિયા, કુપોષણનું પ્રમાણ વધુ જોવા મળે છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકારે મહિલા અને બાળકોના પોષણની ચિંતા કરી સમગ્ર રાજ્યમાં “પોષણ સુધા યોજના” લાગુ કરી છે. આ યોજના થકી ગામેગામ આંગણવાડી કેન્દ્રોના માધ્યમથી સગર્ભા અને ધાત્રી માતાઓને બપોરના સમયે નિમયિત એક સમયનું પૌષ્ટિક ભોજન પુરૂં પાડવામાં આવે છે. જમ્યા બાદ લેવાની આયર્ન સહિતની ગોળી પણ આંગણવાડીમાં બેસીને જ સગર્ભા માતાઓને પીવડાવવામાં આવે છે. સાથોસાથ તેમના સ્વાસ્થ્યની કાળજી રાખવા માટેની જરૂરી સલાહ પણ આપવામાં આવે છે.
નાંદોદ તાલુકાના વાવડી ગામમાં આવેલી આંગણવાડી-૨ ની મુલાકાત લેતાં અહીં “પોષણ સુધા યોજના” ની અમલવારી બખુબી કરવામાં આવી રહી છે. આ આંગણવાડીમાં ૧૭ જેટલાં ધાત્રી અને સગર્ભા માતાઓ “પોષણ સુધા યોજના” નો લાભ લઈ રહ્યાં છે. આ તમામ મહિલાઓ નિયમિત પણે આંગણવાડીમાં આવીને બપોરના સમયે પૌષ્ટિક ખોરાક આરોગી પોતાનું અને તેમના બાળકનું સ્વાસ્થ્ય સુરક્ષિત રહે તે માટે ઉત્સાહભેર આગળ આવી છે.
આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા લાભાર્થી શ્રીમતી શ્વેતાબહેન હાર્દિકભાઈ વસાવાએ જણાવ્યું કે, રાજ્ય સરકારે સગર્ભા અને ધાત્રી માતાઓ માટે જે “પોષણ સુધા યોજના” લાગુ કરી છે તે અમારા જેવા ગરીબ બહેનો માટે ખૂબ સારી છે. અમને આંગણવાડીની બહેનો દ્વારા રોજ આંગણવાડીમાં બપોરનું ગરમ અને પૌષ્ટિક ભોજન પુરૂં પાડવામાં આવે છે. આ પહેલાં ઘરે અમે ઘરકામના કારણે સમયસર ભોજન લેવામાં ચૂકી જતા હતા તે હવે આંગણવાડી પર આવવાથી સમયસર મળી રહે છે. અઠવાડિયામાં રોજ અલગ અલગ પ્રકારનું ભોજન અહીં પીરસવામાં આવે છે. જેથી અમારું અને અમારા બાળકનું સ્વાસ્થ્ય સારું રહે અને તંદુરસ્ત બાળક જન્મે તે માટે નિયમિતપણે જરૂરી આયર્નની ગોળીઓ પણ અમને રૂબરૂમાં જ આપવામાં આવે છે. જેથી ગોળી લેવામાં પણ નિયમિતતા જળવાય રહે છે. મહિનાના પહેલાં બુધવારે આંગણવાડીમાં મમતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેમાં અમારું બ્લડ પ્રેસર અને વજન પણ નિયમિત માપી આરોગ્યલક્ષી સાવચેતીની જાણકારી પુરી પાડવામાં આવે છે. આ યોજનાનો લાભ મળવાથી અમને ખૂબ ફાયદો થયો છે.
ગામના આંગણવાડી વર્કર શ્રીમતી ટીનુબેન ચૌધરીએ જણાવ્યું કે, ગુજરાત સરકારશ્રી દ્વારા સગર્ભા અને ધાત્રી મહિલાઓ માટે જે “પોષણ સુધા યોજના” લાગુ કરવામાં આવી છે તેમાં અમારે ત્યાં ૧૭ જેટલાં બહેનો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. આ યોજના અંતર્ગત સપ્તાહનું જે મેનુ નક્કી કરવામાં આવ્યું છે તે મુજબ અમારા આંગણવાડી અને હેલ્પર બહેનો ભોજન તૈયાર કરી બપોરના સમયે લાભાર્થી બહેનોને પીરસે છે. સરકારશ્રીની આ યોજનાથી સગર્ભા અને ધાત્રી બહેનોને ખૂબ ફાયદો થઈ રહ્યો છે.
“પોષણ સુધા યોજના” સંદર્ભે નાંદોદ તાલુકાના સીડીપીઓ સુશ્રી હેમાંગિનીબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં “પોષણ સુધા યોજના” લાગુ થઈ ચૂકી છે. જેનો પ્રારંભ ગત તા.૧૮ મી જૂન,૨૦૨૨ ના રોજ વડોદરાથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પહેલાં પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકામાં જ આ યોજના ચાલતી હતી, ત્યારબાદ તેને સમગ્ર નર્મદા જિલ્લામાં લાગુ કરવામાં આવી છે. આ યોજનામાં સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને આંગણવાડી કેન્દ્ર પર એક સમયનું ભોજન પુરૂં પાડવામાં આવે છે. સામાન્ય મહિલાઓ કરતા સગર્ભા બહેનોને પોષણની વધારે જરૂર હોય છે. તેમને જરૂરી પોષણ મળી રહે તે હેતુ સાથે આ યોજનામાં સગર્ભા મહિલાઓને ભોજનની સુવિધા પુરી પાડવામાં આવે છે. આંગણવાડી પર આવી લાભાર્થી મહિલાઓને જમાડ્યા બાદ આયર્નની ગોળી પણ પીવડાવવામાં આવે છે. કેન્દ્ર પરથી આ લાભાર્થી બહેનો ઘરે જાય ત્યારે તેમને કેલ્શિયમની ગોળી પણ આપવામાં આવે છે. લાભાર્થી મહિલાઓના સુપોષણ અને સારા કાઉન્સેલિંગ માટે સરકારશ્રી દ્વારા આવા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

