છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદનના વિડીયો કોન્ફરન્સ હોલમાં ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નાયબ સચિવ અને જલશક્તિ અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના નોડલ અધિકારી એલેકસ થોમસની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.
બેઠક દરમિયાન નોડલ અધિકારી અને નાયબ સચિવ એલેકસ થોમસે જલશક્તિ અભિયાન અંતર્ગત કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જલશક્તિ અભિયાન અંતર્ગત સારી કામગીરી કરવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીથી સામાન્ય વ્યક્તિના જીવનમાં શું પરિવર્તન આવ્યું છે એ અંગે પણ એક ઇમ્પેકટ સ્ટડી કરવામાં આવે એ આવશ્યક છે એમ જણાવી તેમણે જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા જલશક્તિ અભિયાન અંતર્ગત કરવામાં આવેલી જળસંચય કામગીરીની વિગતે જાણકારી મેળવી ઉપયોગી સૂચનો કર્યા હતા.
આ ઉપરાંત નોડલ ઓફિસર અને નાયબ સચિવ એલેકસ થોમસે જિલ્લામાં જલશક્તિ અભિયાન અંતર્ગત થયેલી કામગીરીની વિગતો સાથે આગામી સમયમાં જલશક્તિ અભિયાન અંતર્ગત કરવામાં આવનારી કામગીરીના આયોજનની વિગતો અંગે પણ જાણકારી મેળવી હતી.
બેઠકમાં ઉપસ્થિત જિલ્લા કલેકટર સ્તુતિ ચારણે પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે નોડલ અધિકારીને વિગતે વાકેફ કર્યા હતા. તેમજ તેમણે રાજય સરકાર દ્વારા અમલી સુજલામ સુફલામ જળ અભિયાન અંગે પણ જાણકારી આપી હતી.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.ડી.ભગતે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી નોડલ અધિકારી અને નાયબ સચિવ એલેકસ થોમસને જિલ્લાની ભૌગોલિક, સામાજીક, શૈક્ષણિક અને આર્થિક બાબતો અંગે વિગતે છણાવટ કરી હતી. તેમણે જલશક્તિ અભિયાન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પંચાયત સિંચાઇ વિભાગ, વોટરશેડ તેમજ વન વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતે સચિત્ર જાણકારી આપી હતી.
બેઠકમાં નોડલ અધિકારીના સાથી અધિકારી વર્મા, નાયબ વન સંરક્ષક વિષ્ણુ દેસાઇ, પંચાયત સિંચાઇના ઇજનેર હરીશભાઇ ગામીત, વાસ્મોના યુનિટ મેનેજર અજયભાઇ ચૌધરી, આઇ.સી.ડી.એસના પ્રોગ્રામ ઓફિસર પારૂલ વસાવા, અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


