રોજના 80 થી 100 લોકો સુધી પહોચાડે છે ટિફિન
1 સપ્ટેમ્બર 2022
સાગર નિર્મળ
જૂનાગઢ
કેશોદ શહેરમાં ભુખ્યાઓની જઠર અગ્નિમાં શાંત કરવા માટે છેલ્લા ૯ વર્ષથી સદભાવના ટ્રસ્ટ દ્વારા અનોખો સેવાયજ્ઞ કરવામાં આવી રહ્યો છે. વિજયભાઈ દેવાણી, ભરતભાઈ વડાલીયા, રાજુભાઈ ચોટલીયા ધર્મેશભાઈ, ચંદુભાઈ તેમજ વીરેનભાઈ કારિયા દ્વારા અંદાજે ૯ વર્ષ પહેલા સદભાવના ટ્રસ્ટનું બીજ રોપાયું હતું જેમાં ઘરેથી જ ભોજન બનાવી જરૂરીયાતમંદ લોકો સુધી પહોચાડવામાં આવતું હતું શરૂઆતમાં રોપવામાં આવેલું સેવાના બીજમાં અનેક નામી અનામી દાતાઓનાં દાન રૂપી ખાતરનો સહયોગ તેમજ મિત્ર મંડળનો સેવાયજ્ઞ આજ આ સદભાવના ટ્રસ્ટ કેશોદમાં મોટું સેવાનું વટવૃક્ષ બની અનેક લોકો સુધી નિશુલ્ક ટીફીનસેવા આપી રહ્યું છે.
આ અંગે માહિતી આપતા વિજયભાઈ દેવાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,તેઓ પોતે જ જાતે બજારમાંથી સારી ગુણવત્તા સાથેનું આનાજ તેમજ શાકભાજી ખરીદી કરે છે તેઓના મિત્રમંડળનો પરિવારના દીપાબેન દેવાણી, તૃપ્તિબેન બોરડ, દક્ષાબેન દવે, રશ્મિબેન સોની, નીતાબેન દેવાણી, જ્યોત્સનાબેન ગોથલિયા, હંસાબેન વડાલિયા વગેરે મહિલાઓ સાથે મળીને જાતે જ રસોઈ બનાવે છે અને મોટરકાર મારફત જરૂરીયાતમંદ લોકો સુધી લાભાર્થીને ગરમ ભોજનનું ટિફિન પહોચતું કરવામાં આવે છે.
આ ટ્રસ્ટની એક ગર્વ લેવા જેવી બાબત અને વિશેષતા એ છે કે, ક્યારેય ટ્રસ્ટીઓ કે અન્ય કોઈ વ્યક્તિઓ કોઈ પણ જગ્યાએ પહોચબુક લઈને કોઈ દાન લેવા જતું નથી કે કોઈ જગ્યાએ દાનપત્ર રાખવામાં પણ રાખવામાં આવતા નથી આમ છતાં પણ લોકો સ્વેછીક આવીને દાન આપે છે તેના માટે દાતાઓને પુરતો ભરોસો અને વિશ્વાસ છે તેનું ટ્રસ્ટીઓને ગર્વ છે.
સામાન્ય ભિક્ષુકો અને રસ્તે રજળતા લોકોને તો હાલતા ચાલતા કોઈ પણ જમવાનું આપતા હોય છે અને તે લોકો માગીને પણ પોતાનો પેટનો ખાડો પૂરતા હોય છે જયારે ઘણા મધ્યમવર્ગીય લોકો માગી શકતા નથી અને દાન લેતા સંકોચ અનુભવતા હોય છે તેવા લોકો માટે આ સદભાવના ટ્રસ્ટ આશીર્વાદરૂપ બની આજ ૯ વર્ષ પુરા કરી દશમાં વર્ષમાં પ્રવેશ કરેલ છે અને આજે પણ ૮૦ થી ૧૦૦ ટીફીન જરૂરીયાતમંદ લોકો સુધી પહોચાડવામાં આવી રહ્યા છે.


