જિલ્લા કલેકટર શ્રી રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને જિલ્લાની આરોગ્ય શાખા હેઠળની જિલ્લા સંચારી રોગ સંકલન સમિતિની બેઠક જિલ્લા સેવાસદન ઇણાજ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત જિલ્લામાં કોરોના વાયરસની પરિસ્થિતિ તેમજ મંકી પોક્સ તેમજ દૂધાળા પશુઓમાં ફેલાઈ રહેલા લમ્પી સ્કિન ડિસિઝ અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી.
આ મિટિંગમાં પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે ક્લોરિનેશન, શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સફાઈ અંગેની કામગીરી, ટીસીએલ પાઉડરનો જરૂરિયાત મુજબનો જથ્થો ઉપલબ્ધ કરાવવો, શાળા-કોલેજ તેમજ જાહેર સંસ્થાઓમાં જંતુનાશક દવાઓના છંટકાવ અંગે પણ વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતાં.
વહીવટીતંત્ર દ્વારા વાહકજન્ય રોગ અન્વયે હાઉસ ટૂ હાઉસ કામગીરીના ત્રણ રાઉન્ડ હાથ ધરવામાં આવ્યા હતાં. ઉપરાંત તમામ તાલુકાઓના ગામમાં એન્ટીલાર્વા એક્ટિવિટી, સોર્સ રિડક્શન તેમજ પાણીના સ્ત્રોતમાં પોરાભક્ષક માછલીઓ મૂકવાની કામગીરી કરવામાં આવેલ છે ઉપરાંત ફોગિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવેલ છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં ફાઈલેરિયા અંતર્ગત નાઈટ બ્લડ સર્વેલન્સની કામગીરીમાં ૫થી ૯ વર્ષના બાળકોના કુલ ૩૨૦ બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતાં જે તમામ નેગેટિવ આવ્યા હતાં.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબેન વાજા, આરોગ્ય વિભાગના ડો.અરૂન રોય, ડો.પરમાર, ડો.ગૈાસ્વામી, પશુપાલન અધિકારી શ્રી ડો.પરમાર સહિત તાલુકા હેલ્થ ઓફીસરો, મેડીકલ ઓફીસરો ઉપસ્થિત રહ્યા હતા.
