મુંબઈ
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓ શિક્ષણ કર્મચારીઓની અછતનો સામનો કરી રહી છે. આ વાતને થોડો સમય થઈ ગયો છે. ‘મિડ-ડે’ના અહેવાલ મુજબ, ઉપલબ્ધ ડેટા અનુસાર અત્યાર સુધીમાં આ શાળાઓમાં ૮૧૦ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. આ પોસ્ટ્સ કુલ જરૂરિયાતના ૧૧ ટકાથી વધુ ભાગ ધરાવે છે. મરાઠી માધ્યમની શાળાઓમાં ૨૫૯ જેટલી જગ્યાઓ ખાલી છે અને મુંબઈ પબ્લિક સ્કૂલોમાં ૨૨૨ જગ્યાઓ ખાલી છે. આ પહેલા જુલાઈમાં બીએમસી કોન્ટ્રાક્ટના આધારે શિક્ષકોની ભરતી કરી રહી હતી. શિક્ષકોની અછતને કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે તે માત્ર એક કામચલાઉ ઉકેલ હતો. પોર્ટલ અનુસાર, બીએમસીના શિક્ષણાધિકારી રાજેશ કંકલે જણાવ્યું હતું કે, “નાગરિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યા અને કાયમી નિમણૂકોમાં સમય લાગી શકે છે, તે બાબતને ધ્યાનમાં રાખીને અમે જુલાઈમાં એક પરિપત્ર બહાર પાડ્યો હતો. જેમાં મુખ્ય શિક્ષકોને કલાકના પગારના આધારે કોન્ટ્રાક્ટ શિક્ષકોની નિમણૂંક કરવાની મંજૂરી આપવામાં આવી હતી.” શિક્ષણાધિકારી દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે, સરળ પ્રવેશવાળી શાળાઓમાં અન્ય કરતા વધુ શિક્ષકો હોય છે. તેથી તમામને જરૂરી સંખ્યામાં ટીચિંગ સ્ટાફ પૂરો પાડવા માટે દરેક નાગરિક શાળામાં ૨૦ ટકા જગ્યાઓ ખાલી રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ગુજરાતી અને તમિલ માધ્યમની નાગરિક શાળાઓમાં વધારાનો શિક્ષણ સ્ટાફ છે. રાજેશ કંકલે આગળ જણાવ્યું હતું કે, “અમને તાજેતરમાં જ માધ્યમિક શાળાઓમાંથી ૫૫૦ સરપ્લસ શિક્ષકોની બદલી માટે શાળા શિક્ષણ વિભાગ, મુંબઈના નાયબ નિયામકની મંજૂરી મળી છે. જાે તેઓ નાગરિક શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ ભરશે, તો અમારે કરાર આધારિત શિક્ષકો પર આધાર રાખવો પડશે નહીં અને સમસ્યા હલ થઈ જશે. ” વધુમાં તેમણે જણાવ્યું હતું કે બીએમસી એનજીઓમાંથી શિક્ષકોની ભરતી તેમની માંગણીઓને પહોંચી વળવા માટે કરશે. આ દરમિયાન બીએમસીની એક શાળાના મુખ્ય શિક્ષકે જણાવ્યું હતું કે, જાે બીએમસીએ મરાઠી માધ્યમની શાળાઓમાં અભ્યાસ કર્યો હોવાને કારણે ત્રણ વર્ષ પહેલાં નકારી કાઢેલા ૨૫૦ સારા ઉમેદવારોને નોકરીએ રાખ્યા હોત તો બીએમસીએ આ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો ન હોત. મુખ્ય શિક્ષકે વધુમાં ઉમેર્યું હતું કે, “જ્યારે સારા શિક્ષકોને લેવામાં આવતા નથી, ત્યારે બીએમસી કયા ધોરણના અપગ્રેડેશન વિશે વાત કરી રહી છે?”
