પંચમહાલ
ગોધરા શહેરના બામરોલી રોડ પર ચંદનબાગ પાર્ટીપ્લોટ ખાતે યુવા સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સરદારધામ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરદારધામ પ્રમુખ ગગજીભાઈ સુતરીયા, સીઇઓ નિવૃત્ત આઇએએસ અધિકારી એચ એસ પટેલ સહિત પાટીદાર સમાજના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સમાજના યુવાનોને કેવી રીતે કારકિર્દીને લઈને નવી રાહ ચીંધી શકાય, કેવી રીતે તેમને સફળતાના આયામો સુધી પહોંચાડી શકાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં યુપીએસસીની અને જીપીએસસી સહિતની અન્ય સેવાઓમાં પણ સમાજના યુવાન યુવતીઓ જાેડાય તે માટે આહવાન કરીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સપનાના ભારતની રચનામાં યુવાઓ કેવી ભૂમિકા ભજવી શકે તે માટે જણાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરદારધામના વિવિધ હોદ્દેદારો તેમજ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સિનિયર વર્ગ-૧ અધિકારી શૈલેષ સગપરિયા અને સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઇ સુતરિયાએ યુવા સંવાદના માધ્યમ થકી સમાજના યુવાનોની મૂંઝવણ દૂર કરી હતી.


