જૂનાગઢ શહેર ખાતે આવેલ ઉપલા દાતાર-નીચલા દાતારની જગ્યામાં ઉર્ષનો તહેવાર ઉજવવામાં આવનાર છે. જેમાં ઉપલા દાતાર તથા નીચલા દાતાર ખાતે ચંદનવિધિ તથા મહેંદી રસમ જેવા કાર્યક્રમ થનાર હોય અને તેમાં બહોળા પ્રમાણમાં હિન્દુ તથા મુસ્લીમ લોકો ભાગ લે છે. પ્રવર્તમાન સંજોગોને ધ્યાને લઇ ઉર્ષ દરમિયાન કોઇ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે જૂનાગઢ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ભુમિ કેશવાલાને ફોજદારી કાર્યરીતી અધિનીયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ મુજબ મળેલ અધિકારની રૂએ તત્કાલીન અસરથી તા.૯/૧૦/૨૦૨૨નો રોજ ૨૪ કલાક સુધી ઉપલા દાતાર તરફ જતા તમામ માર્ગો, પગદંડીઓ અને પગથિયા સહિત, ઉપલા દાતાર પર જવા સારૂ ઉપલા દાતારના સમગ્ર ડુંગર વિસ્તારમાં વિલીંગ્ડન ડેમ સાઇટ અને જાહેર ઉદ્યાન સિવાય નીચે દર્શાવેલા અપવાદ સિવાય કોઇપણ વ્યક્તિ માટે પ્રવેશબંધી ફરમાવી છે. એટલે કે, ઉપરોક્ત વિસ્તારની અંદર કોઇ વ્યક્તિએ નીચે મુજબના અપવાદ અન્વયે અધિકૃત રીતે મેળવેલ લેખિત પરવાનગી સિવાય દાખલ થવું નહીં, હરવું-ફરવું નહીં અને પરવાનગી વગર એ વિસ્તારનો બીજી કોઇ રીતે ઉપયોગ કરવો નહી કે આ વિસ્તારમાં કોઇ ફેરફાર કરવો નહીં.
આ જાહેરનામું તત્કાલીન અસરથી તા.૯/૧૦/૨૦૨૨ના રોજ ૨૪ કલાકથી ઉપરોક્ત પ્રતિબંધીત વિસ્તારમાં જવા સારૂ ફરજ પરના એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની પરમીટ મેળવીને શરતો મુજબ વર્તમાન વ્યક્તિઓને લાગુ પડશે નહીં, આ અંગેની આપવામાં આવેલ પરમીટમાં જણાવેલ તારીખો અને કલાકો ઉપલા દાતાર જનાર દર્શનાર્થી દર્શન કરી ઉપલા દાતારથી નીચે ઉતરી આવવાનું રહેશે, અધિકૃત રીતે ફરજ પર રહેલા સરકારી કર્મચારી/અધિકારીઓ તથા બંદોબસ્તના ફરજ પરના કર્મચારી/અધિકારીઓને લાગુ પડશે નહીં,
આ હુકમનો ભંગ કરનારને ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ હેઠળ કસુરવાર સામે પગલા લેવાની કાર્યવાહી કરવામાં આવશે અને ગુન્હો સાબિત થયે એક માસની સાદી કેદ અથવા રૂા.૨૦૦ દંડ અથવા બન્નેની સજા થઇ શકે છે.
