પાટણ
પાટણ શહેરની સવા બે લાખ જનસંખ્યાને પીવાનું શુધ્ધ પાણી પૂરું પાડતા પાટણનાં વોટર ફિલ્ટર પ્લાન્ટનું વર્ષે રૂ. ૩ કરોડ ઉપરાંતનું વીજબીલ આવે છે. જેથી આ તોતીંગ ખર્ચને બચાવવા માટે પાટણનાં સિદ્ધિ સરોવરમાં ફ્લોટીંગ સોલાર પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવે તો ગુજરાતભરમાં પાટણમાં આ પ્રકારનાં પ્રથમ સોલાર પ્લાન્ટનું નિર્માણ થકી એક ગૌરવપૂર્વ મોડેલ પ્રોજેક્ટનું નિર્માણ કરી શકાય તેમ છે. પાટણ નગરપાલિકાનાં પ્રમુખ સ્મિતા પટેલ અને કારોબારી ચેરમેન અરવિંદ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને પાટણમાં બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતનાં નિર્માણ માટે સિદ્ધિ સરોવર (ખાનસરોવર)માં ફ્લોટીંગ (તરતો) સોલાર પલાન્ટ પ્રોજેક્ટ મંજૂર કરવા માટે દરખાસ્ત કરી હતી.
આ દરખાસ્તમાં જણાવ્યા પ્રમાણે પાટણ નગરપાલિકા વિસ્તારમાં ૧૫.૦૯ હેક્ટર ક્ષેત્રફળનું સિદ્ધિ સરોવર (ખાનસરોવર) આવેલું છે, જેનો હાલમાં નર્મદા આધારીત પાણી પુરવઠા માટે ઉપયોગ થાય છે. આ સરોવરની નજીકમાં જ નગરપાલિકાના ઇન્ટેકવેલ, ફીલ્ટર પ્લાન્ટ તથા ભુગર્ભ ગટરનું મેઈન પીંગ સ્ટેશન આવેલું છે. જેનું માસિક વીજબીલ અંદાજીત રૂા. ૨૫ લાખ જેટલું અને વાર્ષિક બીલ અંદાજીત રૂ. ૩ કરોડ જેટલું આવે છે. જેનું નગરપાલિકા ઉપર ખુબ મોટું ભારણ પડે છે અને નગરપાલિકાના સ્વભંડોળનો મોટાભાગનો હીસ્સો વીજ બીલ પાછળ વપરાઇ જાય છે. તે સંજાેગોમાં આટલું વિશાળ ક્ષેત્રફળ ધરાવતા સરોવરમાં ફ્લોટીંગ સોલાર પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવે તો ગુજરાતભરમાં આ પ્રકારનાં પ્રથમ સોલાર પ્લાન્ટના નિર્માણ થકી એક ગૌરવપૂર્ણ મોડલ પ્રોજેક્ટનું નિર્માણ થઈ શકે તેમ છે અને જાે દરખાસ્ત મંજુર કરવામાં આવશે તો મોટી માત્રામાં ઉર્જા નિર્માણ થકી વીજ બીલમાં રાહત થશે જ, સાથેસાથે સરોવરનાં પાણીનું બાષ્પીભવન પણ ઓછું થશે. ઉપરાંત સુર્ય પ્રકાશનાં લીધે પાણીમાં ઉગતી વનસ્પતિ પણ ઓછી થશે જેનાથી પાણી દુષિત થતું અટકશે. દરખાસ્તમાં વધુમાં જણાવ્યા પ્રમાણે રાજ્ય સરકારની ઉર્જા નીતીને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારના પાયલોટ પ્રોજેક્ટ તરીકે સિદ્ધિ સરોવરમાં ફ્લોટીંગ પ્લાન્ટનું ખાસ કીસ્સામાં નિર્માણ અંગે ઘટતી કાર્યવાહી કરવા જણાવાયું હતું. આ પ્રોજેક્ટ વહેલી તકે હાથ ધરવામાં આવે તો ગુજરાતનો આ પ્રથમ પ્રોજેક્ટ બની રહેશે. તેમજ સમગ્ર ભારતભરમાં પણ આવા પ્રોજેક્ટ ગણ્યાગાંઠ્યા (એકાદ બે) હોઇ ગુજરાત માટે નમુનેદાર પ્રોજેકટના નિર્માણ થકી સુર્ય ઉર્જામાં એક નવિન પ્રકરણનો ઉમેરો થઇ શકશે એમ પક્ષના નગરપાલિકાના નેતા દેવચંદ પટેલે જણાવ્યું હતું
