Gujarat

વેરાવળમાં પ્રથમ વખત રાષ્ટ્રીય હાફ મેરેથોનનુ આયોજન : સોમ મેરેથોન નામ અપાયું

વેરાવળમાં ૯મી જાન્યુઆરીએ દોડવીરોનો જમાવડો : સોરઠ પંથકમાં પ્રથમવાર હાફ મેરેથોનનું આયોજન હોવાથી દોડવીરોમાં ઉત્સાહ
જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજન : ૫, ૧૧ અને ૨૧ કિમી.ની અંતરની દોડમાં દોડવીરો ભાગ લઈ શકશે
૧૨ વર્ષના બાળકોથી સિનિયર સીટીઝન ૩૧મી ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે
   ગિરગઢડા તા 22
   ભરત ગંગદેવ..
વેરાવળ જેવા નાના શહેરમાં પ્રથમવાર રાષ્ટ્રીય હાફ મેરેથોન યોજાવા જઈ રહી છે. જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ભારત વિકાસ પરિષદ-સોમનાથ શાખા દ્વારા આયોજિત આ મેરેથોનને સોમ મેરેથોન નામ આપવામાં આવ્યું છે. ૯મી જાન્યુઆરી યોજાનાર આ મેગા ઈવેન્ટમાં ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યના દોડવીરો ભાગ લેવા માટે વેરાવળ ખાતે આવશે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ રાજ્યમાં ત્રણ વખત અમદાવાદ, રાજકોટ અને વડોદરા ખાતે જ હાફ મેરેથોન યોજાઈ છે. આમ, વેરાવળમાં રાજ્યની ચોથી હાફ મેરેથોન યોજાવા જઈ રહી છે.
આ હાફ મેરેથોનના આયોજનની વિગતો આપતા ભારત વિકાસ પરિષદ-સોમનાથ શાખાના અધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ રાજપરાએ જણાવ્યું કે, ગીર સોમનાથ જિલ્લા વહિવટી તંત્રના સહયોગથી સોરથ પંથકમાં પ્રથમવાર રાષ્ટ્રીયકક્ષાની આ પ્રકારની સ્પર્ધા યોજાવા જઈ રહી છે, ત્યારે તેમાં ભાગ લેવા માટે યુવાનો-દોડવીરો ઉત્સાહિત બન્યા છે. સાથે જ આ મહામારીના સમયમાં લોકો આરોગ્ય પ્રત્યે વિશેષ જાગૃત બને તેમજ આ વિસ્તારમાં એક આગવુ સ્પોર્ટસ કલ્ચર વિકસિત થાય તે માટેના આ હાફ મેરેથોનના માધ્યમથી પ્રયાસ કરવામાં આવશે. ખાસ કરીને ગુજરાત-સૌરાષ્ટ્રના લોકો એથ્લેટિક્સ તરફ ઓછો ઝુકાવ જોવા મળે ત્યારે આ મેરેથોનથી વધુ લોકો એથ્લેટિક્સમાં રૂચિ કેળવે સાથે જ તેમા આગળ વધે તેવા આશય સાથે આ હાફ મેરેથોનનુ આયોજન કરવામાં આવ્યું છે.
        આ હાફ મેરેથોનના કન્વીનર  વિજયભાઈ માંડલીયાએ જણાવ્યું કે, કોરોના મહામારીમાં આપણે અનુભવ્યુ કે, પોતાના સ્વજનો પાસે એક બીજા જઈ શકતા ન હતા, ત્યારે ગંભીર રોગ સામે સ્વંયએ પ્રતિકાર કરવાનો રહેશે. લોકોએ આરોગ્ય-ફિટનેશ પ્રત્યે વધુ સજાગ બનવું પડેશે. આમ, દરેક વ્યક્તિએ જાતે જ પોતાની કાળજી લેવી પડશે. જેને લક્ષમાં રાખી આ હાફ મેરેથોનને ‘હું જ મારો સારથી’ તેવી ટેગ લાઈન પણ આપવામાં આવી છે.
મીડિયા કન્વીનર  દિગંત દવેએ જણાવ્યું કે, આ હાફ મેરેથોન સફળતાપૂર્વક યોજવા માટે જુદી-જુદી સમિતિઓની રચના કરવામાં આવી છે. સાથે જ તમામ દોડવીરોને દર બે કિમી.એ પાણી-ORS મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. સમગ્ર આ ઈવેન્ટ દરમિયાન મેડીકલની ટીમ ઉપસ્થિત રહેશે. તેમજ દરેક કેટેગરીમાં વિજેતા થનાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય તથા સિનિયર સિટિઝન માટે અલગથી પ્રોત્સાહક ઈનામ આપવામાં આવશે. તેમ તેમણે ઉમેર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *