જામનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. જે દરમિયાન ઉમેદવારો તરફથી લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગીઓ ઉતાવળે માંગવામાં આવે તે સમયે પોલીસ અધિકારીઓ કોઈ ગુનાની તપાસમાં રોકાયેલા હોય, અગર કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરીમાં રોકાયેલા હોય, તેવા સમયે ઉમેદવારોને પરવાનગી મેળવવામાં સુગમતા રહે તેમ જ આચારસંહિતાનું યોગ્ય રીતે પાલન થાય તે હેતુથી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી જામનગર ડો.સૌરભ પારઘી દ્વારા ચૂંટણીના હેતુ તેમજ તે સિવાયના અન્ય તમામ હેતુ માટે માંગવામાં આવતી પરવાનગીના સંદર્ભમાં લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી આપવાના અધિકારો ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી એટલે તા.૨૪/૧૨/૨૦૨૧ સુધી ચૂંટણી પ્રચારમાં ફરતા વાહનમાં લાઉડ સ્પીકર વગાડવાની મંજુરી, ચૂંટણી સભા સરઘસમાં લાઉડ સ્પીકર વગાડવાની મંજુરી માટે સંબંધિત મામલતદારશ્રી અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રી દ્વારા પરવાનગી અંગેની પ્રક્રિયા કરવામાં આવશે તેમ આદેશ કરવામાં આવેલ છે.
અપાયેલ પરવાનગીની નકલ જિલ્લા મેજીસ્ટ્રેટ કચેરીને, નાયબ ચૂંટણી અધિકારીશ્રી, જે તે મતદાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારી તથા સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલવાની રહેશે. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ લાઉડ સ્પીકર વગાડવાની મંજુરી કોઈપણ સંજોગોમાં રાત્રીના ૧૦:૦૦ પછી અને સવારના ૬:૦૦ વાગ્યા સુધીના સમય માટે આપી શકાશે નહીં, જેની તમામ સંબંધકર્તાઓએ નોંધ લેવી.
