નવીદિલ્હી
શેરબજારમાં લિસ્ટેડ અને ટુ-વ્હીલર સેગમેન્ટમા મોટી કંપની હીરો મોટોકોર્પના ચેરમેન પવન મુંજાલને ત્યાં આવકવેરાના દરોડા પડ્યા છે. આવકવેરા વિભાગની ટીમે, પવન મુંજાલના ગુડગાંવ સ્થિત ઓફિસ અને ઘર પર સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. હીરો મોટોકોર્પએ વિશ્વની સૌથી મોટી ટુ-વ્હીલર મેન્યુફેક્ચરિંગ કંપની છે. આ કંપની ૪૦ થી વધુ દેશોમાં તેનો બિઝનેસ કરે છે. હીરો મોટોકોર્પ એશિયા, આફ્રિકા, અમેરિકા જેવા દેશોમાં પણ વ્યવસાય કરે છે. કેટલાક આંકડાઓ પરથી જ એ જાણી શકાય છે કે, ભારતીય ટુ-વ્હીલર સેગમેન્ટમાં હીરો મોટોકોર્પ કેટલી મોટી કંપની છે. ભારતમાં વેચાતા તમામ ટુ વ્હીલર્સમાંથી ૫૦ ટકા ટુ વ્હીલર્સ હીરો મોટોકોર્પના વેચાઈ રહ્યાં છે. દરોડાના સમાચાર બાદ હીરો મોટોકોર્પના શેરમાં ભારે ઘટાડો થયો હતો. કંપનીના શેર રૂ. ૨૩૮૦ થી ૨ ટકા નીચે આવી ગયો છે. ઓટો સેક્ટરની અન્ય કંપનીઓના શેર પર પણ દબાણમાં છે. મારુતિ, બજાજ ઓટો, ટીવીએસ મોટર ૧.૫ ટકા સુધી ગગડી ગયા છે. હીરો મોટોકોર્પનો સ્ટોક છેલ્લા એક સપ્તાહમાં ૧ ટકા ઘટ્યો છે. છેલ્લા એક મહિનામાં ૧૧ ટકા સ્ટોક તૂટ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં ૪ ટકા નકારાત્મક વળતર આપ્યું છે. આ સિવાય માર્ચ ૨૦૨૧ની સરખામણીમાં માર્ચ ૨૦૨૨ સુધીના સમયગાળામાં સ્ટોકમાં ૨૩ ટકાનો ઘટાડો થયો છે. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં હીરો મોટરકોર્પનો કુલ નફો ૩૬.૭ % ઘટીને રૂ. ૬૮૬ કરોડ થયો છે. બરાબર એક વર્ષ પહેલા આ જ ક્વાર્ટરમાં, હીરો મોટોકોર્પનો નફો ૧૦૮૪.૪૭ કરોડ રૂપિયા હતો. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ કામગીરીમાંથી રૂ. ૭૮૮૩ કરોડની કમાણી કરી હતી. ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. ૯૭૭૬ કરોડ હતી. ડિસેમ્બર ૨૦૨૧ ક્વાર્ટરમાં કંપનીની કમાણી ૧૯.૪% ઘટી છે.


