ભરૂચ
અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર પુરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા વાહન ચાલકે સાઇકલ સવારને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા સાઇકલ સવાર આધેડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે રાહદારીઓએ તાલુકા પોલીસ મથક ખાતે જાણ કરી હતી. જેથી પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો. મૃતકના ખિસ્સામાંથી મળી આવેલા આધાર કાર્ડમાં તેઓ સુરતના પીનપુર ગામના ગિરીશ ગોવિંદ વસાવા હોવાનું જાણવા મળ્યું છે. તેમજ અકસ્માતની બીજી ઘટના ગતરોજ સાંજના સમયે બની હતી. મૂળ મહારાષ્ટ્રના અને હાલ અંકલેશ્વરના કાપોદ્રા ગામની સહકાર પાર્કમાં રહેતો ૩૪ વર્ષીય રફીક ઐયુબ પટેલ પોતાની એક્ટિવા લઈ નોકરી પરથી ઘરે આવી રહ્યો હતો. આ દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર સુરત જવાના ટ્રેક ઉપરથી પસાર થતો હતો તે વેળા પુરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા વાહન ચાલકે મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા રફીક ઐયુબ પટેલનું મોત નીપજ્યું હતું. બંને અકસ્માત અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર બે અલગ અલગ જગ્યાએ માર્ગ અકસ્માતની ઘટના બની હતી. જેમાં યુવાન સહિત આધેડનું મોત નીપજ્યું હતું. ત્યારે આ બન્ને અકસ્માત અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
