સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આમ તો ૨૩મી જાન્યુઆરી એટલે ભારતવર્ષનાં ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝનાં જીવન કવનને વાગોળવાનો એક રૂડો અવસર. આમ તો દેશનો સ્વાતંત્ર્ય સંગ્રામ ખરેખર ખૂબ રોચક છે. અંગ્રેજી શાસનની નાગચૂડમાંથી મુક્ત થવા માટે દેશનાં કેટલાય નવલોહિયા યુવાનોએ શહીદી પણ વહોરી હતી અને આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ દેશનાં અનેક નેતાઓએ અહિંસક આંદોલનની ઝૂંબેશ શરૂ કરી હતી. એ પૈકીના સુભાષચંદ્ર બોઝ પણ એક પ્રખર રાષ્ટ્રવાદી અને ક્રાંતિકારી નેતા હતાં. તેમનો જન્મ ૨૩ જાન્યુઆરી ૧૮૯૭માં ઉડીસા (ઓરિસ્સા) કટક શહેરમાં થયો હતો. ૧૯૨૧ માં તેમણે લંડનમાં આઈ. સી. એસ. ની પદવી મેળવી હતી. ભારત આવ્યા પછી હિંદી રાષ્ટ્રીય મહાસભાનાં (કોંગ્રેસ) માં જોડાયા. ૧૯૩૮માં ૪૧ વર્ષની યુવાન વયે હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં પ્રમુખ બન્યા. બીજા વર્ષે ત્રિપુરા કોંગ્રેસ અધિવેશનમાં પણ બીજી વખત પ્રમુખપદે ચૂંટાયા પરંતુ ગાંધીજી સાથે રાજકીય મતભેદ થતાં પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યું. મે. ૧૯૩૯ માં ફોરવર્ડ બ્લોક નામનાં રાજકીય પક્ષની સ્થાપના કરી. ૧૯૪૩ માં આઝાદ હિંદ ફોજનાં સુકાની બન્યા તેમને નેતાજીનું હુલામણું નામ આપવામાં આવ્યું. તેમનો માર્ગ કદાચ થોડો અઘરો હતો. *તેમની સમજણ મુજબ આઝાદી કદી વિના મૂલ્યે મળતી નથી. તેને મેળવવા માટે એક વણથંભ્યો સંઘર્ષ કરવો પડે છે.* આઝાદી મેળવવા માટે તેણે આઝાદ હિંદ ફોજની રચના કરેલી અને *”તુમ મુઝે ખૂન દો મૈં તુમ્હે આઝાદી દૂંગા”* અને *ચલો દિલ્લી, જય હિંદ,* નાં નારાં સાથે તત્કાલીન અંગ્રેજ સરકાર સામે બાંયો ચડાવી અને આઝાદીનાં જંગનું બ્યૂગલ ફૂંક્યું હતું. સુભાષબાબુનો એ સ્વાતંત્ર્ય સંગ્રામ દેશનો સૌથી વધારે સંઘર્ષપૂર્ણ હતો. આજે પણ તેમનાં જીવનનાં અમુક અંશોએ ઘેરું રહસ્ય સર્જેલું છે. આમ પણ એમનાં નિધન વિશે પણ મતમતાંતર પ્રવર્તે છે. આમ તો તેઓ સ્વભાવે ખૂબ સ્વમાની અને કુશાગ્ર બુદ્ધિવાળા તો હતાં જ જીવનમાં તેમનાં વિચારો સ્પષ્ટ હતાં કે આઝાદી કદી આસાનીથી ન મળી શકે. આજે આપણો દેશ સ્વતંત્ર છે. દેશનાં તમામ નાગરિકોને આ મહામૂલી આઝાદીનો લ્હાવો મળ્યો છે તેની પાછળ દેશનાં અનેક ક્રાંતિકારીઓનો બહુમૂલ્ય ફાળો છે. સુભાષચંદ્ર બોઝ અંગ્રેજોની નજર કેદમાંથી છટકીને પેશાવર, કાબુલ, મોસ્કો થઈ બર્લિન પહોંચ્યા ત્યાંથી તે જાપાન ગયા. સુભાષબાબુનો એ કઠીનમાં કઠીન જીવન સંગ્રામ આજે પણ આપણાં રુવાડાં ખડા કરી દે તેઓ છે. તેમણે રચેલાં ફોરવર્ડ બ્લોક આજે તો આપણાં રાજ્યમાં ખૂબ જૂજ પ્રમાણમાં જોવા મળે છે..
વાત હવે સાવરકુંડલા શહેરમાં આજથી છવ્વીસ વર્ષ પહેલાંની કરવી છે. સાવરકુંડલા શહેરમાં સ્વામિનારાયણ ગુરુકુળનાં તત્કાલીન પ્રમુખ અ. નિ. પ. પૂ. જ્ઞાનસ્વામીની પ્રેરણાં અને માર્ગદર્શન મુજબ આ સંસ્થાના શિક્ષકો બિપીનભાઈ પાંધી, યોગેશભાઈ પરમાર સમેત કર્મચારી ગણે આ સુભાષચંદ્ર બોઝનાં જીવન કવનને ઉજાગર કરી સાવરકુંડલા શહેરની જનતાને માહિતગાર કરવાનું એક અનોખું અભિયાન શરૂ કર્યું હતું.
આજથી છવ્વીસ વર્ષ પૂર્વે ૨૩ મી જાન્યુઆરીનાં રોજ
સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલનાં બાળકોની વિવિધ રાષ્ટ્રીય સૂત્રો સાથેનાં બેનરો સાથે રેલી કાઢી હતી. આ દિવસે સાવરકુંડલા શહેરનાં તત્કાલીન પી. આઈ. દૂબે સાહેબની ઉપસ્થિતિમાં ગુરુકુળનાં ઘેલાણી સભા ખંડમાં એક ભવ્ય સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અને આ દિવસથી દેશનાં મોટાભાગના સ્વાતંત્ર્ય સેનાનીઓનાં જીવન કવનથી શાળાનાં બાળકોને પરિચિત કરી અને ઘણી વકતૃત્વ સ્પર્ધાઓ અને વેશભૂષા સ્પર્ધાઓ પણ યોજવામાં આવી હતી અને સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરનારા સ્પર્ધકોને પુરસ્કાર આપવામાં આવતો હતો અને આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ સ્પર્ધકોને આશ્ર્વાસન ઈનામ પણ આપવામાં આવતાં હતાં.
આમ સાવરકુંડલા સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા બાળકોને રાષ્ટ્ર ભક્તિનાં પાઠ ભણાવવામાં આવતાં અને દેશનાં રાષ્ટ્ર પ્રેમી નાગરિકોનું નિર્માણ કરવામાં આવતું.. પ્રસ્તુત તસવીરો એટલે આજથી છવ્વીસ વર્ષ પૂર્વે સ્વામિનારાયણ ગુરુકુળનાં બાળકોની સુભાષબાબુનો જન્મ શતાબ્દી નિમિત્તે યોજાયેલી જાહેર રેલીની છે. હાલ આ જન્મ જયંતિના પાવન દિવસને શૌર્ય દિવસ તરીકે ઉજવવાનું પણ ઘણું સૂચક અને પ્રસ્તુત ગણી શકાય..
3 Attachments


