અમદાવાદ
એનએચએલ મેડિકલ કોલેજ અને એલજીમાં ભણતા વિદ્યાર્થીઓએ ગત એપ્રિલથી જુલાઈ મહિના સુધી કોવિડ વૉર્ડમાં ફરજ બજાવી હતી. જે માટે તેમને સ્ટાઈપેન્ડ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ ૭ મહિના બાદ અનેક રજુઆત કર્યા પછી હવે એનએચએલ કોલેજના ડોકટરોને સ્ટાઈપેન્ડ આપવામાં આવ્યું છે. પરંતુ હજુ સુધી એલજીના ડોકટરોને સ્ટાઈપેન્ડ આપવામાં આવ્યું નથી. અમારી ઇન્ટરશીપ સાથે અમે કોવિડ વૉર્ડમાં ફરજ બજાવી છે. સતત ૪૫ દિવસ સુધી ડોકટરોએ મહેનત કરી હતી જે બાદ અમને સ્ટાઈપેન્ડ મળ્યું નહોતું જે અંગે અમે કોલેજમાં રજુઆત કરતા કોઈ જવાબ મળ્યો નહતો અને બાદમાં એએમસીમાં રજુઆત કરી તે બાદ અમારા ખાતામાં હવે સ્ટાઈપેન્ડ જમા થયું છે, પરંતુ હજુ એલજીના ડોકટરોને સ્ટાઈ પેન્ડ મળ્યું નથી. કોવિડ-૧૯ની મહામારી સમયે સરકાર દ્વારા મેડિકલ અને નર્સિંગના વિદ્યાર્થીઓ તેમજ ઈન્ટર્ન ડૉક્ટર્સને વિવિધ હોસ્પિટલમાં મેડિકલ ડ્યુટી અપાઈ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ડોકટર અને મેડિકલ સ્ટાફને પ્રતિ દિવસ રૂ.૫૦૦નું સ્ટાઇપેન્ડ ચૂકવવાનું નક્કી કરાયું હતું. પરંતુ એએમસી મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત એનએચએલ મેડિકલ કોલેજ અને એલજી મેડિકલ કોલેજના કુલ ૩૪૩ ઈન્ટર્ન ડૉક્ટર્સ કે જેમણે કોરોનાકાળ દરમ્યાન મેડિકલ ડ્યુટી કરી હતી તેમને કોરોના સમયમાં કરેલ મેડિકલ ડ્યુટીના ૪૫ દિવસના લાંબા સમયગાળાનું સ્ટાઇપેન્ડ હજુ સુધી ચૂકવવામાં આવ્યું નહોતું. પરંતુ એબીવીપીની રજુઆત બાદ એનએચએલ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને ૫૦ લાખ જેટલું સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવ્યું છે.


