જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે સેન્ટર ઓફ કોમ્યુનિકેશન નેટવર્ક યોજના અંતર્ગત ગોંડલ અને કાલાવડ તાલુકાના જુદા જુદા ગામના ૭૫ પ્રગતિશીલ ખેડૂત ભાઈઓને કૃષિલક્ષી તાલીમ આપવામાં આવી હતી. જેમાં તજજ્ઞો દ્વારા ખેતિ, પશુપાલન, પાકમાં રોગ નિયંત્રણ, સજીવ ખેતિ સહિતના કૃષિલક્ષી બાબતો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
કુલપતિ શ્રી ડો.વી.પી.ચોવટીયાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ તાલીમ કાર્યક્રમનું જૂનાગઢ કૃષિ યુનિવસિઁટીના વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી, ડો. એચ.એમ. ગાજીપરાના ઉદઘાટન હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, ખેતી સાથે સામુહિક પશુપાલન વ્યવસાય કરી તેને સ્વીકારીએ જેથી પૂરક આવક મેળવી, આર્થિક સદ્ધરતાથી કુટુંબની સુખાકારી વધારી શકાય. ઉપરાંત ખેતીની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવા પર તેમણે ભાર મુક્યો હતો. આ સાથે જમીનનું પૃથ્થકરણ કરાવી અને તેમનું ભલામણ પ્રમાણે ખાતરોનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે તેમણે જણાવ્યું હતું.
આ તાલીમમાં સજીવ ખેતી, શિયાળુ પાકોમાં જીવાત નિયંત્રણ, શિયાળુ પાકોમાં રોગ નિયંત્રણ, રાસાયણિક ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ વગેરે વિષય ઉપર તજજ્ઞોએ માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે ડો. એચ.સી. છોડવડીયા, ડો. જી.આર.ગોહિલ, વિપુલભાઈ સવસોયા, શ્રી પ્રભુદાસભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન અને સંકલન ડો.બી.એન.કલસરીયાએ કર્યું હતું.


