બીલખાના ચોરવડીના મહંતની હત્યામાં મહત્વની કડી મળી:ચાર શકમંદોને ઉઠાવી લેતી પોલીસ
હત્યા અન્ય સ્થળે કરી લાશને જેતપુર પાસે ભાદર કેનાલમાં ફેંકી દીધી: મહંતના મોબાઈલના કોલ ડીટેઇલના આધારે હત્યામાં જાણભેદુ હોવાની શંકાએ તપાસ
જેતપુરના પાસેથી પસાર થતી ભાદર કેનાલમાંથી મળેલ લાશ ખડખડિયા મહાદેવ મંદિરના મહંત સ્વામી રુદ્રાનંદની પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ તેજ કરી
જેતપુર શહેરના ધોરાજી રોડ પાસે આવેલ દાસીજીવણપરા વિસ્તાર પાસેથી પસાર થતી ભાદર કેનાલમાં એક લાશ તરતી જોવા મળી હતી. જે લાશને નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા બહાર કાઢતા માથે મુંડન કરેલ એક વૃદ્ધ જેણે ભગવા કલરની ધોતી પહેરેલ તેમજ હાથ પગ બંને એક કાળા કલરની દોરીથી બાંધેલ ઉપરાંત મોબાઈલના ડેટા કેબલથી એકદમ ટાઈટ પગ બાંધેલ હતાં. નાકમાંથી લોહી વહેતુ તેમજ પાણીમાં તણાવાથી શરીરના કેટલાક જગ્યાએથી ચામડી છોલાઈ ગયેલ જોવા મળતી હતી. પ્રથમ દ્રષ્ટિએ જ હત્યા નિપજાવેલ હોવાનું નજરે પડતા પોલીસે સ્થળ પંચનામું કરી મૃત્યુનું સચોટ કારણ જાણવા લાશને ફોરેન્સીક પીએમ માટે રાજકોટ મોકલી હતી.
સાધુ જેવા દેખાતા વૃદ્ધની હત્યા કરેલ હાલતમાં લાશ મળી આવતા જિલ્લા પોલીસ વડા બલરામ મીણા જેતપુર દોડી આવતા સીટી પોલીસ ઉપરાંત પોલીસની બીજી એજન્સીઓ પણ ગઈ કાલે તપાસમાં જોતરાઈ હતી.
જેમાં ચારે દિશાઓમાં તપાસ બાદ લાશની ઓળખ થઈ હતી. લાશ બીલખાના ચોરવડી પાસે આવેલ ખાખડીયા મહાદેવ મંદિરના મહંત સ્વામી રુદ્રાનંદગીરી ગુરુ પરમેશ્વરાનંદજીની હોવાની ઓળખ થઈ હતી. રુદ્રાનંદજી આયુર્વેદની દવાઓનો પણ વ્યવસાય કરતા હોવાનું જાણવા મળ્યું હતું.
સ્વામી રુદ્રાનંદજીની હત્યા કોણે કરી અને આ વિસ્તારમાં હત્યા કરવામાં આવી કે પછી ક્યાંય બીજે હત્યા નિપજાવી લાશ અહીં કેનાલમાં ફેંકી દેવામાં આવી તે બાબતે પોલીસે તપાસ તેજ કરી છે અને આ બાબતે શંકાસ્પદોની પૂછપરછ પણ હાથ ધરી છે.
સ્વામી રુદ્રાનંદગીરી અગાઉ શ્રી પંચ અગ્નિ અખાડા મુદ્દે ચર્ચામાં રહ્યા હતા તેમજ અનેક વાર તેમના ગંભીર આરોપો પણ લગાવ્યા હતા અંતે જોવાનું એ રહ્યું તપાસ કઇ દિશા તરફ જઈ રહી છે તેવું લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે
જેતપુર ડિવિઝનનાં એ.એસ.પી સાગર બાગમાંર નાં જણાવ્યા અનુસાર પોલીસ તપાસમાં સ્વામી રુદ્રાનંદજી તારીખ 3 થી તેમના આશ્રમ બીલખાના ચોરવડી પાસે આવેલ ખાખડીયા મહાદેવ મંદિરના ખાતેથી ગુમ હોવાનું સામે આવ્યું હતું સ્વામીના મૃતદેહના ફોરેન્સિક રિપોર્ટમાં હત્યા કરાયા હોવાનું સામે આવતા જેતપુર સીટી પોલીસ મથકે અંતે જુનાગઢના નવાગામના કિશોભાઈ દેવરાજભાઇ નાડોદાએ ફરીયાદ નોધાવતા ipc કલમ 302 સહિતનાં.ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે. આ હત્યાના બનાવમાં પોલીસે મહંત સ્વામી રુદ્રાનંદના મોબાઈલના કોલ ડીટેઇલ ઉપર તપાસ કેન્દ્રિત કરી કેટલાક શકમંદોને ઉઠાવી લઈ હત્યાનો ભેદ ઉકેલવા આગળની તપાસ તેજ કરવામાં આવી છે.
હરેશ ભાલીયા જેતપુર


