જામનગર
દ્વારકાના સોનારડી ગામે રહેતા અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા દાજીભા જાલમસંગ જાડેજા નામના ક્ષત્રિય વૃદ્ધે ખેતરમાં ઉગેલા કપાસનું વેચાણ કર્યુ હતું. જેના બદલે તેમને તા. ૧૧ના રોજ રૂપિયા ૪.૧૧ લાખની રોકડ રકમ મળી હતી. આ રકમ સાથે રાખવામાં આવેલા સોનાના દાગીના સહિત કુલ રૂપિયા ૫.૩૧ લાખનો મુદ્દામાલ ભરેલા ડબ્બાને લઈને એક શખ્સ નાસી છૂટ્યો હોવાની ફરિયાદ દાજીભા જાડેજાએ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. આ અંગે જિલ્લા પોલીસ વડા સુનિલ જાેશીની સૂચના મુજબ એલસીબી ટીમ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. જે સંદર્ભે એલ.સી.બી. પી.એસ.આઈ. એસ.વી. ગળચરની ટીમ દ્વારા આ અંગે શંકાસ્પદ પરપ્રાંતિય મજૂરોની ફિઝિકલ રીતે તપાસ તથા ટેકનિકલ લેવલથી કાર્યવાહી કરી ખંભાળિયા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ગોઠવવામાં આવેલા સી.સી. ટીવી કેમેરા તથા નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ ટીમના સહકારથી ચોરી કરનારા શખ્સોની તપાસ હાથ ધરવામાં આવી હતી. ચોરીના સ્થળે આરોપી શખ્સે પહેરેલા બુટ મળી આવતા આ અંગેની તપાસમાં રેલવે સ્ટેશન વિસ્તારના નેત્રમના સી.સી. ટીવી ફૂટેજ તથા આ ચોરીના સમયગાળામાં બે પરપ્રાંતિય શ્રમિકોની શંકાસ્પદ હિલચાલ જણાઈ હતી. જેથી પોલીસ સ્ટાફ દ્વારા એક ટીમ મધ્યપ્રદેશ ખાતે પણ રવાના કરવામાં આવી હતી. આ અંગેની ઊંડાણપૂર્વકની તપાસમાં મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જાેબટ તાલુકાના બડા ગામ ખાતે રહેતા બાથુ ઉર્ફે દિલો રીછુ મીનાવા નામના ૨૦ વર્ષના આદિવાસી શખ્સની ઓળખ છતી થઈ હતી. આથી એલસીબી સ્ટાફના એ.એસ.આઈ. ભરતભાઈ ચાવડા, બોઘાભાઈ કેસરીયા, જેસલસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે અહીંના રેલ્વે સ્ટેશન પાછળના ઝુંપડપટ્ટી વિસ્તારમાંથી ઉપરોક્ત શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો. આ ચોરી પ્રકરણમાં આરોપી બાથુ ઉર્ફે દિલો મીનાવા સાથે અલીરાજપુર જિલ્લાના જાેબટ તાલુકાના સીતુ પીડુ ભાભર નામના શખ્સનું પણ નામ ખુલતા પોલીસે તેને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. ઝડપાયેલા આ શખ્સ પાસેથી પોલીસે રૂપિયા ૧ લાખ ૪૧ હજાર ૩૮૦ની કિંમતના સોનાના દાગીના, રૂ. ૩ લાખ રોકડા તથા રૂપિયા ૫,૦૦૦ની કિંમતનો એક મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા ૪ લાખ ૪૬ હજાર ૩૮૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલો આરોપી શખ્સ અગાઉ આ વિસ્તારમાં કામ કરી ચુક્યો હોવાનું તથા હાલ આ બંને શખ્સો ખંભાળિયા પંથકમાં છૂટક મજૂરી કામ કરતા હોવાનું પોલીસના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપી બાથુ ઊર્ફે દિલાએ ચોરી કરી હતી અને આ અંગેનું ધ્યાન રાખવા સીતુ ભાભર આ સ્થળેથી થોડે દૂર ધ્યાન રાખવા ઉભો હતો એમ પણ જાણવા મળ્યું હતું. આ પકડાયેલા શખ્સનો કબ્જાે ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો હતો.દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે ગત તારીખ ૧૧ માર્ચના રોજ એક વૃદ્ધ ખેડૂતના રહેણાંક મકાનમાંથી રૂ. ૪ લાખ ૧૧ હજારની રોકડ રકમ તથા સોનાના દાગીનાની ચોરી કરીને એક શખ્સ ફરાર થઈ ગયો હતો. બાદમાં એલ.સી.બી. પોલીસે હરકતમાં આવી તપાસ દરમિયાન મધ્યપ્રદેશના એક રહેવાસી યુવાનને દબોચી લીધો હતો. આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય એક શખ્સની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે.
