ખનીજ ચોરોની દાદાગીરી કે સત્તાધીશોની સાંઠગાંઠ ? જાગૃત લોકોમાં ઊઠતો પ્રશ્ન
રાજકોટ, તા.21 (હરેશ ભાલિયા દ્વારા )
રાજકોટ જિલ્લાના ધોરાજી, ઉપલેટા અને પાટણવાવ વિસ્તારમાંથી પસાર થતી ભાદર નદીમાંથી થતી બેફામ રેતી ચોરીને નાથવા સ્થાનિક સરકારી તંત્રોના સત્તાધીશો રિતસરના ટૂંકા પડતાં હોવાની વિગતો મળી રહી છે. ખનીજ માફિયાઓની દાદાગીરી કહો કે સત્તાધીશો સાથેની સાંઠગાંઠ કહો, લોકો આવા ખનીજ માફિયાઓ અંગે ફરિયાદ કરવામાં થરથર ધ્રુજી રહ્યા છે. આ વાતના અખબારી અહેવાલો અને ઇલોકટ્રોનિક્સ મીડિયામાં વહેતા થયેલા સમાચારો બાદ ખનીજ ચોરોએ 2 દિવસ ખનીજ ચોરી બંધ રાખી હતી. હવે ફરીથી ધોમધોકાર ચાલુ કરી ડેટ જાગૃત લોકો વિડીયો બનાવીને મીડિયા સુધી પહોંચાડી રહ્યા છે. આધારભૂત વર્તુળોમાંથી વિગતો સાંપડી રહી છે કે રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા ગુપ્ત રાહે તપાસ શરૂ કરી દેવાઈ છે અને ડેપ્યુટી કલેકટર દ્વારા ખનીજ ચોરીના કાળા કારોબારને પકડી પાડે તેવી હિલચાલ સંભળાઈ રહી છે.
વિગતો એવી મળી રહી છેકે ઉપલેટા, ધોરાજી અને પાટણવાવ વિસ્તારમાંથી પસાર થતી ભાદર નદીમાંથી રોજ બરોજ લાખો રૂપિયાની રેતી ચોરી કાઈને બેરોકટોક વેપલો થઈ રહ્યો છે. રાત દિન રેતી ની લાખો રૂપિયાની ખનીજ ચોરી કરવામાં આવી રહી છે આ વિસ્તારમાં થી કરોડો રૂપિયાની ખનીજ રેતી ચોરી દરમિયાન સરકારની તિજોરીમાં રાતી પાઇ પણ જમા થતી નથી. ત્યારે આ વાતમાં સબંધિત સત્તાધીશોની મીઠી નજર કારણભૂત હોવાનું સાબિત થઈ રહ્યું છે. સ્થાનિકો કહે છે કે, અમે ખનીજ ચોરીની ફરિયાદ કરીએ જાનનું જોખમ ઊભું થઈ જાય છે. કારણ કે ઉચ્ચ રાજકીય આગેવાનો અને અગ્રણીઓ સાથે સંકળાયેલા ખનીજ માફિયા આમ આદમીઓ પર હુમલા કરવામાં જરાય ખચકાતા નથી.
સૌથી વધુ ગંભીર વાત એ જાણવા મળી કે ખનીજ ચોરી બાબતે કોઈ રજૂઆત કરે તો આવા જાગૃત લોકો પર ખૂની હુમલાઓ કરાઇ છે. પૈસાના જોરે ખનીજ ચોરોનો કોઈ વાળ વાંકો કરી શકતું નથી. આ વાત એ સૂચવે છે કે તંત્રની સાંઠગાંઠ વિના આવી ખનીજ ચોરી કોઈ દિવસ સંભવ નથી. જ્યારે જ્યારે રજૂઆતો કરવામાં આવે છે ત્યારે ત્યારે તંત્ર અપૂરતા સ્ટાફના ગાણા ગાય છે, પરિણામે કરોડો રૂપિયાની ખનીજ ચોરી થતી રહે છે.
અત્રે એ નોંધનીય છે કે ધોરાજી ઉપલેટા વિસ્તારમાં બેરોકટોક થતી રેતી(ખનીજ)ચોરી બાબતે જાગૃત પત્રકારોએ કલેકટરને રજૂઆત કરતાં કલેકટર દ્વારા યોગ્ય કરવાની અને ડેપ્યુટી કલેટર મારફત તપાસ કરવાની ખાતરી આપાઈ છે. ત્યારે સામે જ બતાવશે કે ઉપલેટા-ધોરાજી વિસ્તારની ખનીજ ચોરી બંધ થશે કે કેમ ?
બોક્સ :
જિલ્લા કલેકટર દ્વારા ગુપ્ત રાહે તપાસનો ધમધમાટ શરૂ
રાજકોટ: રાજકોટ જિલ્લાના ઉપલેટા-ધોરાજી વિસ્તામાં ભાદર નદીમાંથી થઈ આવી કાયમી રેતી ચોરીને મીડિયામાં સ્થાન મળ્યા પછી રાજકોટ જિલ્લા કલેકટર હરકતમાં આવ્યા હોવાનું અને તેમના દ્વારા ગુપ્ત રાહે તપાસના આદેશો છૂટયા હોવાની વિગતો સાંપડી રહી છે.
બોક્સ:
જાગૃત લોકો ખનીજ ચોરીના વિડીયો મોકલે છે મીડિયાને !
રાજકોટ: અત્રે એ નોંધનીય છે કે ઉપલેટા ધોરાજી વિસ્તારની ભાદર નદીમાંથી 24 કલાક થતી રેતી ચોરી બાબતે હવે સ્થાનિક લોકો પણ ગજબના જાગૃત થાય છે. એક વાર મીડિયાની ટીમે રૂબરૂ મુલાકાત લીધા બાદ ખનીજ ચોરો હેબતાઈ ગયા છે. 2,3 દિવસ ખનીજ ચોરીને બ્રેક મારીને સત્તાધિસો સાથે આર્થિક વહેવારોના સેટિંગમાં લાગી ગયા છે. પણ પાછળથી ફરી રેતી ચોરી શરૂ કરી દેતા હવે સ્થાનિક જાગૃત લોકો રેતી ચોરીના વિડીયો બનાવીને મીડિયાને મોકલાવી રહ્યા છે. ત્યારે હવે ખરેખર રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા કોઈ કડક કામગીરી થાય તેવી પ્રજાની અપેક્ષા છે.
હરેશ ભાલીયા જેતપુર


