દાહોદ
દાહોદ તાલુકાના કઠલા ગામમાં રહેતી આરતીનો ગામના જ ડીજે સંચાલક રોહીત ભારત રાજપૂત સાથે પ્રેમ સબંધ હતો. જાેકે, મેઘનગર પરણાવેલી આરતીનો પતિ લકી બંનેના મેળાપમાં આડખીલી રૂપ હોવાથી તેની હત્યા કરાવવાનો પ્લાન ઘડી કઢાયો હતો. રોહીત અને આરતીએ ભેગા મળીને કઠલા ગામના બચુ ઉર્ફે બચુ કટ્ટુ ભુરિયા, ઇટાવા ગામના પપ્પુ કાલુ સાંગાડિયા અને વડબારા ગામના રણજીત છીતુ નિનામાને લકીને મારી નાખવા માટે ૩૦ હજાર રૂપિયાની સોપારી આપી હતી. ૪ તારીખે તેડવા આવી રહેલા લકીનું લોકેશન મેળવીને આરતીએ આપી દેતાં તેની હત્યા કરી દેવામાં આવી હતી. મધ્ય પ્રદેશ પોલીસે આરતી અને રોહીતને તો ઝડપી પાડ્યા હતા, પરંતુ આ ત્રણે હત્યારા ફરાર હતાં. ત્યારે એસ.પી બલરામ મીણાના માર્ગદર્શનમાં એલસીબી પીઆઈ બી.ડી શાહે ટીમ એક્ટિવ કરી હતી. ત્યારે ત્રણ હત્યારા પૈકીના કઠલાનો બચુ ઉર્ફે બચુ કટ્ટુ ભુરિયા અને વડબારા ગામનો રણજીત છીતુ નિનામાને ઝાલોદના બસ સ્ટેન્ડથી પકડવામાં એલસીબીને સફળતા મળી હતી. આ બંને હત્યા બાદ અમદાવાદ ભાગી ગયા હતાં.ત્યાંથી ફતેપુરા તાલુકાના ડુંગરી ગામે રહેતી બહેનના ઘરે આશરો મેળવવા ગયા પણ ત્યાં મેળ પડ્યો ન હતો. તેઓ પરત આવીને ઝાલોદના બસ સ્ટેન્ડે આખી રાત રોકાયા હતા ત્યારે એલસીબીએ તક જાેઇ બંનેને ઝડપી પાડીને મધ્ય પ્રદેશ પોલીસને સોંપ્યા છે.દાહોદ તાલુકાના કઠલા ગામની યુવતીએ પ્રેમી સાથે મળીને પોતાના પતિની ૩૦ હજાર રૂપિયાની સોપારી આપીને મધ્ય પ્રદેશના પીપલોદાબડા ગામમાં હત્યા કરાવી નાખી હતી.


