શહેરમાં નવી કચરાપેટીઓ મૂકવાની તાતી જરૂરિયાત
ભરૂચ શહેરમાં કચરો એકત્ર કરવા માટે મુકાયેલી કચરાપેટીઓ જ કચરો ફેલાવી રહી છે. તુટેલી કચરાપેટીઓને જયારે વાહનોમાં મુકી ડમ્પિંગ સાઇટ સુધી લઇ જવામાં આવે છે ત્યારે કચરો રસ્તા ઉપર ઢોળાઇ રહયો છે.
ભરૂચ શહેરના તમામ 11 વોર્ડમાં કચરાના એકત્રિકરણ માટે 200 જેટલી કચરાપેટીઓ મુકવામાં આવી હતી પણ કચરાપેટીઓની કોઇ કાળજી નહી લેવામાં આવતાં તે એકદમ બિસ્માર બની ચુકી છે. કચરાપેટીઓ માત્ર નામની હોય તેમ લાગી રહયું છે. મોટાભાગની કચરાપેટીઓના તળિયા અને સાઇડના ભાગોનું લોખંડ ખવાય ગયું છે. જેથી તેમાં કચરો નાંખવામાં આવે તો આસપાસના વિસ્તારમાં ફેલાય છે.
કચરાપેટીઓમાંથી કચરો બહાર નીકળી જતો હોવાથી તેની આસપાસ પશુઓ અડીંગો જમાવી બેસી જાય છે. ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારોમાં મુકાયેલી કચરાપેટીઓ એકદમ ખખડધજ હોવાથી તેને બદલવાની તાતી જરૂરીયાત છે. ભરૂચ શહેરમાં હાલ 144 જેટલી કચરાપેટીઓ છે અને તે તમામના ખસ્તાહાલ હોવાથી શહેરીજનોમાં પણ રોષ ફેલાયો છે.
સ્વચ્છતા સર્વેક્ષણમાં ભરૂચે રાજયમાં 15મો ક્રમ મેળવ્યો છે. પણ ભરૂચ શહેરમાં કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલની મોટી સમસ્યા છે. કચરાપેટીઓના ખસ્તાહાલ છે જયારે સાયખા ખાતેનો પ્લાન્ટ કયારે ચાલુ થશે તે નકકી નથી. હાલ તો થામ ગામ પાસે ભાડાથી લીધેલી જમીનમાં કચરો ડમ્પ કરવામાં આવી રહયો છે. જો આવી જ સ્થિતિ રહેશે તો ભરૂચનું રેટીંગ આવતા વર્ષે બગડી શકે છે.કચરાના નિકાલ બાબતે યોગ્ય કાર્યવાહી આવશ્યક છે.


