Gujarat

મહેસાણાના હર્ષ ચૌધરીની અમદાવાદની ટીમનું પ્રતિનિધિત્વ મળ્યું

ગાંધીનગર
ક્રિકેટની જેમ વોલીબોલ રમતની પણ આઈપીએલ લીગ ફેબ્રુઆરી મહિનામાં યોજાવા જઈ રહી છે. આ પ્રીમિયર લીગમાં છ ટીમો વચ્ચે રસાકસી ભર્યો જંગ ખેલાશે. જેમાં ગુજરાતમાંથી માત્ર બે ખેલાડીઓની હરાજી દરમ્યાન પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં શરૂ થનારી વોલી બોલની પ્રીમિયર લીગમાં ઓલ ઈન્ડિયા સહિત વિદેશી ખેલાડીઓ પણ ભાગ લેવાના છે. ત્યારે આ મેચમાં ઓલ ઈન્ડિયાના ૫૦૦ જેટલા ખેલાડીઓમાંથી પસંદગી પામેલો હર્ષ ચૌધરી અમદાવાદની ડિફેન્ડર ટીમ તરફથી પ્રતિનિધિત્વ કરવાનો છે. મહેસાણા જિલ્લાના બામોસણા ગામનો હર્ષ ચૌધરી સ્કૂલ લેવલે અંડર ૧૬, ૧૭ અને ૧૯, તેમજ કોલેજ લેવલે ૬ નેશનલ વોલીબોલની મેચ રમી ચુક્યો છે. જ્યારે સિનિયર લેવલની પણ ૬ નેશનલ મેચ રમ્યો છે. ફેબ્રુઆરીમાં યોજાનારી પ્રીમિયર મેચની તૈયારીઓ માટે હાલમાં હર્ષ ચૌધરી પોતાની ટીમ સાથે ટ્રેનિંગ મેળવી રહ્યો છે. આ અંગે તેણે જણાવ્યું હતું કે, અમારી સ્કૂલમાં એક ફંક્શન હતું. તે સમયે માણસા ચરાડાની સરકારી સ્કૂલના પ્રિન્સિપાલ અને કોચ બાબુલાલ ચૌધરી આવ્યા હતા. તેમણે મારી પાસે આવીને કહ્યું હતું કે વોલીબોલની રમતમાં કારકીર્દી બનાવવી હોય તો માણસા આવી જજે. બસ તેમનું આ એક વાત મારા મગજમાં ઘર કરી ગઈ હતી. શરૂઆતથી જ સ્પોર્ટ્‌સમાં રુચિ હોવાથી પરિવારને વાત કરેલી. બાદમાં માણસામાં મારા ફોઈ રહેતાં હોવાથી હું માણસા ભણવા ખાસ કરીને વોલીબોલની તાલીમ માટે આવી ગયો હતો. અહીં મારા કોચ બાબુલાલ ચૌધરીએ ચાર વર્ષ સુધી મને વોલીબોલની રમત માટે ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી. જેમાં સમય જતાં સ્કૂલ લેવલે યોજાતી નૅશનલ મેચમાં ભાગ લીધો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “બાદમાં માણસાની કોલેજમાં સ્નાતક સુધીનો અભ્યાસ પણ મેં પૂર્ણ કરી દીધો હતો અને વોલીબોલની વધુ ટ્રેનિંગ માટે નડિયાદ સ્પોર્ટ્‌સ એકેડેમીમાં જાેડાઈ ગયો હતો. અહીં કોચ મહંમદ કુરેશીએ મને વધુ વોલીબોલની ટ્રેનિંગ આપી હતી. હાલમાં હું મુંબઈ જીએસટી વિભાગમાં સ્પોર્ટ્‌સ ક્વોટામાં નોકરી પણ કરી રહ્યો છું.” વધુમાં હર્ષ ચૌધરીએ જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી મહિનામાં ક્રિકેટ આઈપીએલની માફક જ વોલીબોલની પ્રીમિયર લીગ યોજાશે. આ માટે ઓલ ઈન્ડિયા સહિત વિદેશના ખેલાડીઓએ ઓનલાઈન ફોર્મ ભર્યા હતા. જે માટે ડિસેમ્બર મહિનામાં ખેલાડીઓનું ઓક્શન યોજવામાં આવ્યું હતું. જે અન્વયે અમદાવાદની ડિફેન્ડર ટીમે રૂ. ૧.૫૦ લાખમાં તેની પર પસંદગી ઉતારી હતી. આ ઓક્શનમાં ગુજરાતમાંથી માત્ર બે ખેલાડીઓની જ પસંદગી થઈ છે. ૫મી ફેબ્રુઆરીથી ૨૭ ફેબ્રુઆરી દરમ્યાન પ્રીમિયર લીગ યોજાશે. જેનું જીવંત પ્રસારણ પણ થવાનું છે. આ મેચમાં છ ટીમો ભાગ લેવાની છે.” વોલીબોલમાં ઈન્ટ્રરેસ્ટ હોય તો ચરાડા આવી જા.. બસ આ એક વાક્યથી પ્રેરિત થઈને વોલીબોલની ખાસ તાલીમ માટે મહેસાણાથી માણસા આવેલો બામોસણા ગામનો હર્ષ ચૌધરી આજે પ્રીમિયર લીગ ટુર્નામેન્ટની ફેબ્રુઆરીમાં યોજાનારી મેચનો હિસ્સો બની ગયો છે. નવાઈની વાત એ છે કે ગુજરાતમાંથી માત્ર બે ખેલાડીઓની હરાજીથી થયેલી પસંદગીમાં મહેસાણાના હર્ષ ચૌધરીની પણ પસંદગી થઈ છે. જે હાલમાં ચેન્નાઈમાં ખાસ ટ્રેનિંગ મેળવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *