Gujarat

માણાવદરમાં જે.એમ.પાનેરા શૈક્ષણિક સંકુલનો ૩૨ મો સ્થાપના દિન મહંત શ્રી મુક્તાનંદ બાપુ તેમજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઉજવાયો

માણાવદર કેળવણી મંડળ સંચાલિત શ્રી જે.એમ.પાનેરા કોલેજ અને આદિત્ય સ્કૂલના ૩૨ માં સ્થાપના દિનની ઉજવણીમાં નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સાંસદ શ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ પ્રગતિ કરી નવી ઊંચાઈ સાથે ઉન્નતિના માર્ગે છે, ત્યારે વડાપ્રધાન શ્રીના અભિયાનને સાર્થક કરવા યુવાઓ તેમની પ્રતિભા થકી દેશની ઉન્નતીમાં સહભાગી બની તેમના શિક્ષકો ગુરુઓને પણ ગૌરવ અપાવે. આ સંદર્ભમાં શ્રી પાટીલે પૂર્વ રાષ્ટ્રપતિ ડો.એપીજે અબ્દુલ કલામના અગ્નિપથ પુસ્તિકાનો સંદર્ભ આપી કોલેજના વિદ્યાર્થીઓને કહ્યું કે, તમારી પ્રગતિથી તમારા શિક્ષકને પણ ગૌરવની લાગણી થતી હોય છે.

તેઓએ સંસ્થાના સ્થાપક શ્રી જેઠાભાઈ પાનેરાની શૈક્ષણિક સેવાઓને બિરદાવી યુવાઓને શ્રેષ્ઠ શિક્ષણ મળે અને સર્વાંગી વિકાસ થાય તે માટે કરવામાં આવી રહેલા પ્રયાસો ની આવકાર્યા હતા.

શ્રી સી.આર.પાટીલે સર્વત્ર મેઘરાજાની પધરામણી થતા હર્ષની લાગણી પણ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે શ્રી સી.આર.પાટીલની જ્ઞાનતુલા સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોથી કરવામાં આવી હતી. આ પુસ્તકો સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવશે. આ પ્રસંગે તેઓના હસ્તે તેજસ્વી વિદ્યાર્થી ભાઈ-બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રી અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ મહંત શ્રી મુક્તાનંદ બાપુ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગૌરવ મળે તેવા નિર્ણયોને આવકારી વિદ્યાર્થીઓને સખત મહેનત કરવા, પર્યાવરણની જાળવણી કરવા તેમજ સંસ્થામાં શિક્ષણની સાથે જીવનલક્ષી શિક્ષણ પર ભાર મૂકવા શીખ આપી હતી.

આ પ્રસંગે પશુપાલન રાજ્યમંત્રી શ્રી દેવાભાઈ માલમે રાજ્ય સરકારની પશુપાલનને પ્રોત્સાહન આપતી યોજનાની માહિતી આપી સંસ્થા અને શિક્ષકોને શુભકામના પાઠવી હતી.

આ પ્રસંગે જે.એમ.પાનેરા સંસ્થા-કોલેજના સ્થાપક શ્રી જેઠાભાઈ પાનેરાએ મહાનુભાવોનું સ્વાગત કરી સૌ સાથે મળીને સમાજના શૈક્ષણિક તેમજ સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ થવા અને રાજ્ય દેશના વિકાસમાં શિક્ષણનું મહત્વ જણાવી સંસ્થામાં વિદ્યાર્થીઓના ઘડતર માટે થતી પ્રવૃત્તિની માહિતી આપી હતી. કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રિન્સિપાલ શ્રી મહેશભાઇ મિયાત્રા એ કર્યું હતું.

આ પ્રસંગે પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન કટારીયા જૂનાગઢના મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઈ પરમાર, શ્રી ધવલભાઈ દવે, શ્રી પુનિતભાઈ શર્મા સહિતના અગ્રણીઓ, હોદ્દેદારો તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Panera-clg-manavadar-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *