વડોદરા
કોર્પોરેશન દ્વારા સતત ત્રીજા શુક્રવારે પોલીસ બંદોબસ્ત સાથે શુક્રવારી બજારમાં કાર્યવાહી કરી સામાન જપ્ત કરી બજાર બંધ કરાવતા તંત્રની કોરોનાને લઈ બેધારી અપનાવવામાં આવી રહેલી નીતિ સામે વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. કોરોનાના કેસ વધતા પાલિકા દ્વારા છેલ્લા ત્રણ સપ્તાહથી શુક્રવારી બજાર બંધ કરાવવામાં આવી રહ્યું છે. શુક્રવારે વેપારીઓ બજાર મળવાની આશા લઇને આવે છે અને નિરાશ થઈને પરત ફરે છે. વેપારીઓ ફરી પોતાના માલસામાન સાથે આવ્યા હતા. પરંતુ બજાર લાગે તે પહેલા જ પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે સખ્તાઇ વાપરતા ભારે હોબાળો મચાવ્યો હતો. કપડાનો વેપાર કરતી મહિલાઓએ કોર્પોરેશનની કાર્યવાહીનો વિરોધ કરી સૂત્રોચ્ચારો પોકાર્યા હર્ત મહિલા વેપારીઓનું કહેવું છે કે, વડોદરા શહેરના તમામ બજારો બેરોકટોક ધમધમી રહ્યા છે, ત્યારે સપ્તાહમાં એક દિવસ ચાર-પાંચ કલાક મળતું બજાર કેમ ખટકે છે, જાે બંધ કરવું જ હોય તો સમગ્ર શહેરના બજારો બંધ કરો. મહિલાઓએ રોડ પર બેસી પાલિકાના નામે છાજીયા ફૂટ્યા હતા. કોર્પોરેશનની એક તરફી કાર્યવાહી સામે સામાજિક કાર્યકર પવન ગુપ્તાએ વિરોધ વ્યક્ત કરી આવતાં સપ્તાહે શુક્રવારી બજાર પાલિકાની કચેરી બહાર લગાવવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, કાર્યવાહી બાદ પણ પાલિકાની ટીમ બજારમાં સ્ટેન્ડબાય રહી હતી. જેથી કરી વેપારીઓ ફરી બજાર ના ભરે.સરકાર દ્વારા કોરોનાની ગાઇડલાઇનનો અમલ કરાવી રહેલા તંત્રની બેધારી નીતિ જાેવા મળી રહી છે. વડોદરા શહેરમાં કોરોનાના કેસો વધતા કોર્પોરેશન દ્વારા શુક્રવારી બજાર બંધ કરાવ્યું હતુ. ત્યારબાદ આજે સતત ત્રીજા શુક્રવારી બજાર ભરાતા કોર્પોરેશને સામાન જપ્ત કરી બજાર બંધ કરાવતા રોષે ભરાયેલી વેપારી મહિલાઓએ રોડ ઉપર બેસી કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરી હોબાળો મચાવ્યો હતો. તો બીજી તરફ સામાજિક કાર્યકરે કોર્પોરેશનની કચેરી બહાર શુક્રવારી બજાર ભરવાની મંજૂરી આપવાની માંગ સાથે ચીમકી ઉચ્ચારી છે.


