અમદાવાદ
ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આવેલ એક રસપ્રદ કિસ્સામાં મહત્વનો હુકમ કર્યો છે. રાજકોટના એક અરજદાર પિતાએ પોતાની દીકરી ગુમ થતા ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી હતી. કોર્ટના નિર્દેશ મુજબ પોલીસે અરજદારની દીકરીને શોધી કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી યુવક દ્વારા આ પ્રકારે બે વાર યુવતીઓને ભગાડી લઈ ગયો હતો. જેથી આરોપીના આ પ્રકારના વલણ સામે કોર્ટે નારાજગી પણ દર્શાવી હતી. આ બાબતે અરજદારના વકીલ નીરવ સંઘવીએ જણાવ્યું કે, હાઇકોર્ટે ઉદાહરણ બેસાડવા માટે આરોપીને રૂપિયા ૧,૧૭,૫૦૦ની રકમ દંડ તરીકે ચૂકવવા આદેશ કર્યો છે. જેમાંથી ૫૦% રકમ રાજકોટ પોલીસ વેલ્ફેર ફંડમાં જમા કરવામાં આવશે, જ્યારે બાકીની ૫૦ રકમ માતા-પિતાને ચુકવવામાં આવે. હાઈકોર્ટે પોતાના આ દેશમાં પોલીસ રિપોર્ટનો ઉલ્લેખ કરતાં પોલીસે ગુમ થયેલ યુવતીને શોધવા કરેલ પ્રયાસની નોંધ લીધી છે. પોલીસના રિપોર્ટને પોતાના આદેશમાં ટાંકતા કોર્ટે નોંધ્યું છે કે, યુવતીને શોધવા માટે ૭ મહિના અને ૧૯ દિવસની તપાસમાં ૧૭,૭૧૦ કલાકનો સમય ઉપયોગમાં લેવાયો છે. જેથી પોલીસે કરેલ ખર્ચ અંગે તેઓ ગંભીરતા લઈ રહ્યા છે અને આરોપીને દંડ કરવામાં આવી રહ્યો છે. આ પહેલા પણ આરોપી દ્વારા બે યુવતીને ભગાડી લઇ જવામાં આવી હતી. જેથી આરોપીના વલણને ધ્યાને રાખી કોર્ટે હુકમ કર્યો છે. કોર્ટ સમક્ષ ગુમ થયેલ વ્યક્તિ હાજર થઈ હતી અને માતા-પિતા સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી જે બાદ તેની કસ્ટડી તેના માતા-પિતાને સોંપી હતી. કોર્ટ સમક્ષ દીકરીના પિતાએ દીકરી શોધવા માટે ૮ લાખ જેટલી રકમની ખર્ચ કર્યો હોવાની રજૂઆત પણ કરી. જે બાબતે કોર્ટે તેમને યોગ્ય ફોરમમાં વળતર માટે દાવો કરવાની છૂટ પણ આપી છે. અરજદાર પિતાની દીકરી ૩૧-૫-૨૦૨૧ ના રોજ ગુમ થઈ હતી જે મામલે રાજકોટમાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી જે બાદ પણ તેમની દીકરી મળી ન આવતા હેબિયસ કોર્પસ ની અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.રાજકોટમાં ૨૦ વર્ષની દીકરીને ભગાડી જવું આરોપી માટે ભારે પડ્યું છે. આરોપી પરણીત યુવક ભૂતકાળમાં પણ આ પ્રકારે બે વાર યુવતીને ભગાડી લઈ ગયો હતો. જેથી ગુજરાત હાઇકોર્ટ ઉદાહરણ બેસાડવા માટે મહત્વપૂર્ણ હુકમ કર્યો છે. જેમાં આરોપીને ગુમ થયેલ યુવતીને શોધવા માટે પોલીસને થયેલ ખર્ચની રકમ ચૂકવવા તથા યુવતીના માતા પિતાને પણ અમુક રકમ દંડ તરીકે ચૂકવવા મહત્વપૂર્ણ આદેશ કર્યો છે.


