ભુજ
પૂર્વ કચ્છના રાપર તાલુકાના અમરાપર રોડ પરથી ગાડીમાંથી પોલીસે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ૧ લાખ ૪ હજારના દારૂ સહિત રૂ.૩.૫૦ લાખના કિંમતની કાર મળી કુલ રૂા. ૪.૫૪ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. જાેકે, આ દરોડા દરમિયાન આરોપી હાથ લાગ્યો ન હતો. પોલીસે કાર માલિક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપવાની તજવીજ હાથ ધરી છે. આ અંગે આડેસર પોલીસ મથક દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ આડેસર પીએસઆઈ સહિતનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન પીએસઆઈ બી.જી.રાવલને મળેલી પૂર્વ બાતમીના આધારે અમરાપર ગામ તરફ જતા માર્ગ પર બિનવારસી હાલતમાં પડેલી સ્વીફ્ટ કાર નં.જીજે૧૬-બીએન ૯૭૦૪માંથી વ્હીસ્કી બોટલો નંગ ૧૬૮ કિ.રૂા.૫૮ હજાર ૮૦૦, દારૂની બોટલો નંગ ૧૩૦ કિ.રૂા.૪૫ હજાર ૫૦૦ મળી આવ્યો હતો. જાેકે, કાર ચાલક ફરાર થઈ ગયો હતો. જેથી પોલીસે તેની વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


