અમરેલી
રાજુલાની સરકારી હોસ્પિટલમાં બ્લડ સ્ટોરેજ યુનિટ ચાલુ કરવા ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા આરોગ્ય મંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. રાજુલા, જાફરાબાદ, ખાંભા વિસ્તારના ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા રાજ્ય સરકારના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને રાજુલા સિવિલ હોસ્પિટલમાં બ્લડ સ્ટોરેજ યુનિટ ચાલુ કરવા બાબતે લેખિત પત્ર લખી રજૂઆત કરી છે. ધારાસભ્ય હીરા સોલંકીએ પત્રમાં જણાવ્યું છે કે, મારા મતક્ષેત્રમાં સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી બ્લડ સ્ટોરેજ યુનિટને રીન્યુ કરવામા આવ્યું નથી. આથી અહીંના દર્દીઓને પારાવાર મુશ્કેલી પડી રહી છે. દર્દીઓને લોહી લેવા માટે મહુવા જવું પડે છે. જેથી મજૂર વર્ગના લોકોને અને ગંભીર કેસોમાં તકલીફ પડે છે. આથી અહીંની સિવિલ હોસ્પિટલમાં તાકીદે બ્લડ સ્ટોરેજ યુનિટ કાર્યરત કરવા મારી ભલામણ છે. રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ વધુમાં જણાવ્યું કે, લોકોની રજૂઆત મારા સુધી આવી હતી અને હમણાં જ એક દર્દીને જરૂર પડી હતી, પરંતુ રીન્યુ નહીં હોવાને કારણે આપણે બ્લડ આપી શક્યાં નહીં, જેથી મુશ્કેલી સર્જાઇ હતી. જેથી મેં સરકારમાં માગણી કરી છે. હું આશા રાખું છું કે ઝડપથી મંજૂરી આપણને મળી જશે.


