મહેસાણા
ઉત્તર ગુજરાતના સેન્ટરોમાંથી મોટે ભાગે તમાકુની આવકના શ્રી ગણેશ થયા છે. લગભગ ગત વર્ષની જેવા જ પ્રતિ મણના ૧૫૦૦ થી ૧૬૫૦ સુધીના ભાવોએ નવી સિઝનની શરૂઆત થઈ ગઈ છે. ગત વર્ષ તમાકુની સરેરાશ ૧૮ થી ૨૦ લાખ બોરી ઉત્પાદન રહ્યું હતું. જેમાં આ વર્ષે દશેક ટકાના વધારાની ગણતરી વેપારી વર્ગની છે. હાલમાં ગરમીનો પ્રકોપ વધવાથી તમાકુના પાકને નુકસાન પણ થઈ રહ્યુ છે. સિઝનની શરૂઆતમાં બોરી માલ કેરી ફોરવર્ડ થયાની ગણતરી સાથે આ વર્ષ બજારમાં તેજી પકડાય તેવી શક્યતાઓ જાેવા મળી રહી છે.ઉનાવા માર્કેટયાર્ડમાં તમાકુની હરાજીનો પ્રારંભ થયો હતો. જેમાં પ્રથમ દિવસે તમાકુની ૩૧૦૦ બોરીની આવક થઈ હતી. જેને લઈ બજારમાં તેજીના એંધાણ જાેવા મળી રહ્યા છે. ઉનાવા એપીએમસીમાં તમાકુની ચાલનારી ત્રણેક મહિનાની સીઝનમાં તમાકુની પત્તીની ૨૮૦૦ બોરી તેમજ હલકી ક્વોલિટી ગાળીયા ટાઇપની ૩૧૦૦ બોરીની આવક સાથે વેપારીની અવર જવર વધી છે. સારી ક્વોલિટીના ભાવો ૧૩૦૦ થી ૧૯૦૦ રૂપિયા પ્રતિમણે અને ગળીયાના ૮૫૦ થી૧૨૦૦ સુધીની રેન્જમાં વેપાર થયો છે.


