નડિયાદ
કપડવંજ પંથકના એક ગામે રહેતી અને મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવતી ૩૦ વર્ષિય યુવતીના લગ્ન પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં રહેતા યુવક સાથે ત્રણ વર્ષ અગાઉ થયા હતા. લગ્નના થોડા સમય સુધી પરણીતાને તેના સાસરીયાઓએ સારી રીતે રાખી હતી. પરંતુ સાસુ ઘરના કામકાજ બાબતે અને નોકરી કરવા ન જવા દેવા બાબતે તેણીની સાથે બોલાચાલી કરતાં હતા. લગ્ન સમયે પરણીતાને નોકરી કરવાની મંજૂરી આપી હતી. પણ લગ્ન બાદ નોકરી કરવા ન દેતાં તેમ છતાં પરિણીતાએ જીદ છોડી ઘરે જ સરકારી નોકરીની તૈયારીઓ કરતી હતી. તેણીને પતિ પણ જે તે સમયે નોકરી ન કરતાં ઘર ચલાવવા માટે નોકરી કરવી પડશે તેમ કહી મનાવી લઈ પરિણીતા નોકરી કરવા લાગી હતી. તો વળી નણંદ જ્યારે પોતાની સાસરેથી અહીંયા આવે ત્યારે ઘરના કામમાં વાંક ગુનો કાઢતા હતા. ઉપરાંત સાસુ પુત્રવધુને કહે તારે નાહ્યા વગર રસોડામાં જવાનું નહી તેમ કહી માનસિક ત્રાસ આપતાં હતા. વાત આટલેથી નહીં અટકતાં સાસરીયાઓ પરિણીતા સાથે અવારનવાર મારઝૂડ કરતાં હતા અને પિયરમાંથી રૂપિયા ૨ લાખ લઈ આવ તેમ કહી દહેજની માંગણી કરતાં હતા. તો પીડીતાએ આ માંગણી નહી સંતોષતા તેના પર ત્રાસ વર્તાવવામાં આવતો હતો. અવારનવાર ઝઘડાઓ થતાં સમાધાન પણ કરવામાં આવતુ પરંતુ સાસરિયાઓ સુધારવાનું નામ નહોતા લેતા. એક દિવસ તો પરિણીતાને પહેરેલા કપડે ઘરની બહાર તગેડી મૂકી હતી. જે બાદ પરણીતાએ પોતાના પિતાનો સહારો લીધો હતો. તો આ તરફ પીડીતાના પતિની શિક્ષકમાં નોકરી મળી હતી. આ બાદ પીડીતાએ સમાધાન કરાવવા અવારનવાર કોશીષ કરી પણ સમાધાન થયુ નહોતું. જે બાદ તેણીએ કપડવંજ મૂકામે પોલીસ બેઝ મહિલા સહાયતા કેન્દ્ર, નારી અદાલત નડિયાદ અને મહિલા પોલીસ સ્ટેશનમાં વારાફરતી અરજી કરી પરંતુ તેણીના સાસરીયાના લોકો મુદત સમયે હાજર રહેતા ન હતા અને છુટાછેડાની માંગણી કરતા હતા. આથી આ સંદર્ભે છેલ્લે કંટાળેલી પરિણીતાએ પોતાના પતિ આદિત્ય ગોસ્વામી, સાસુ ભારતી ગોસ્વામી (બન્ને રહે. ગોધરા) અને નણંદ અંજનાબેન ગોસ્વામી (રહે. મધુરમ, જુનાગઢ) સામે નડિયાદ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૪૯૮(છ), ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.


