હાલોલ
કાલોલ તાલુકામાં નાનકડું મનોરપુરી ગામ આવેલું છે, ગામના લોકોને પાયાની જરૂરિયાતો નહીં મળતાં અહીંના લોકોમાં સરકાર અને સ્થાનિક નેતાઓ સામે આક્રોશ ઉભો થયો છે. ગામમાં કોઈનું મૃત્યુ થાય તો અંત્યોષ્ટિ માટે સ્મશાનની સુવિધા જ નથી. ગામના લોકો નદીના પટમાં અગ્નિદાહ આપે છે અને એ માટે પણ ગામમાંથી ત્રણ કિલોમીટર સુધી નનામી ઊંચકી ચાલીને જવું પડે છે. સૌથી વધારે તકલીફ ચોમાસા દરમ્યાન લોકોને થાય છે. ખુલ્લામાં અગ્નિદાહ આપવામાં ભારે મુશ્કેલીઓ પડતી હોવાનું ગામલોકોએ જણાવ્યું હતું. નદીના પટ સુધી જવાનો રસ્તો પણ કાચો છે, એટલે કાદવ-કીચડવાળા રસ્તા ઉપરથી પસાર થઈ અંતિમક્રિયા કરવી પડે છે. વિકાસની ગુલબાંગો વચ્ચે પંચમહાલ જિલ્લાના અનેક ગામડાઓ પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહ્યા છે. વહીવટી તંત્રનો ગેરવહિવટ કહો કે સ્થાનિક આગેવાનો અને નેતાઓની અજ્ઞાનતા. પણ કેટલાક ગામડાઓના લોકોને આજે પણ સરકારી સુવિધાઓનો લાભ નથી મળતો. કાલોલ, ઘોઘંબા તાલુકાના અનેક ગામડાઓમાં સ્મશાનની સુવિધાઓના અભાવે લોકોને ખુલ્લામાં અગ્નિદાહ આપવો પડતો હોય છે. કાલોલના મનોરપુરી ગામે આજે એક અંત્યોષ્ટિ દરમ્યાન લોકોનો રોષ સામે આવ્યો છે. અનેક રજૂઆતો પછી પણ ગામમાં સ્મશાન બનાવવામાં નથી આવતું કે નદીના પટ સુધીનો પાકો રસ્તો બનતો. મનોરપુરી ગામના લોકો આજે ‘સ્મશાન નહીં તો વોટ નહીં’ના મૂડમાં દેખાયા હતા. પાયાની સુવિધાઓ નહીં મળતા લોકોમાં સરકાર અને સ્થાનિક નેતાઓ સામે ભારે રોષ ઉભો થયો છે. ગામલોકો હવે સ્મશાન અને રોડ માટેની સુવિધા માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરશે. જાે પરિણામ નહીં મળે તો ગાંધી ચીંધ્યા માર્ગે જવાનું રણશીંગુ ફૂંકાશે તેવું ગામ લોકોએ જણાવ્યું હતું.પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની કરોલી ગ્રામ પંચાયતમાં આવેલા મનોરપરી ગામમાં સ્મશાનની સુવિધાના અભાવે મૃતદેહોનો અંતિમ સંસ્કાર ખુલ્લામાં કરવો પડે છે. ઉપરાંત એના માટે પણ જ્યાં મૃતદેહોને અગ્નિદાહ અપાય છે ત્યાં સુધી ત્રણ કિલોમીટરના કાદવ કીચડ વાળા કાચા રસ્તા ઉપર નનામી ઊંચકીને મહામુસીબતે પસાર થવું પડે છે. ગતિશીલ ગુજરાતના રોકેટ ગતિએ થયેલા વિકાસની વરવી વાસ્તવિકતા એ છે કે કેટલાય ગામડાઓના લોકો આજે પણ પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે.


