જયેશ પરમાર પ્રભાસ પાટણ સોમનાથ
———
મંત્રીશ્રી સહિતથી વધુ નાગરિકોએ પ્રાણાયામ-આસનો કરી ઉલ્લાસપૂર્વક યોગપર્વ મનાવ્યો
———
વિવિધ સ્થળોએ લોકોએ ઉત્સાહપૂર્વક યોગ અભ્યાસમાં ભાગ લીધોઃ
યોગપર્વ નિમિત્તે સમગ્ર જિલ્લો યોગમય બન્યો
ગીર સોમનાથ. તા ૨૧: સમગ્ર રાજ્યમાં ૨૧મી જૂનના દિવસે ઉત્સાહપૂર્વક આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ ‘માનવતા માટે યોગ’ રાખવામાં આવી હતી. જિલ્લાના સાંસ્કૃતિક વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથના ઉપક્રમે ૭૫માં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમની અધ્યક્ષતામાં સોમનાથ ચોપાટી ખાતે આઠમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કરતાં પણ વધુ નાગરિકોએ યોગાભ્યાસ કર્યા હતાં.
યોગ દિવસની ઉજવણીની શરુઆત બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર અને આમંત્રીત અતિથીગણના હસ્તે દીપ પ્રાગટ્યથી થઈ હતી. યોગપર્વ નિમિત્તે રાજ્યમંત્રીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પહેલ પછી આજે વિશ્વના તમામ દેશોની યોગમાં ભાગીદારીથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે, ભવિષ્યમાં યોગ વૈશ્વિક સમરસતા અને શાંતિનું મહત્વનું માધ્યમ બનશે. આઝાદીની લડત દરમિયાન પણ શ્રી મહર્ષિ અરવિંદ અને સ્વામિ વિવેકાનંદે લોકોને આદ્યાત્મ અને યોગના માધ્યમથી વિશ્વશાંતિનો સંદેશો આપ્યો હતો. મને એ કહેતા પણ ગર્વ થઈ રહ્યો છે કે, આદિકાળથી ભારતમાં યોગની પરંપરા સદીઓ જૂની રહી છે. યોગ એ આરોગ્યની સુખાકારી માટેનું પહેલું પગથિયું છે. યોગ કરવાથી શારીરિક ફાયદા પહોંચે જ છે ઉપરાંત માનસિક મજબૂતી પણ કેળવાય છે.
યોગ કાર્યક્રમ અંતર્ગત પદ્મશ્રી ભારતભૂષણજી તેમજ આચાર્ય પ્રતિષ્ઠાજીના નિદર્શન હેઠળ યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત સમર કેમ્પ, દ્રોણેશ્વરના આંતરરાષ્ટ્રીય વિજેતા ખેલાડીઓ દ્વારા પોતાની યોગકલાનું અદભૂત પ્રદર્શન કરી લોકોને મંત્રમુગ્ધ બનાવ્યા હતાં. જ્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા યોગાભ્યાસુઓને લિંબુપાણી તેમજ બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
યોગપર્વ નિમિત્તે સોમનાથ ચોપાટી ખાતે મૈસુર પેલેસથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું જીવંત પ્રસારણ નીહાળવામાં આવ્યું હતું. વડાપ્રધાનશ્રીએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, યોગ આપણા જીવનમાં વિશેષ મહત્વ ધરાવે છે. વિશ્વના ખૂણે ખૂણેથી આજે યોગની તસવીરો સામે આવી રહી છે. જે માનવીય ચેતનાની તસવીરો છે. યોગ હવે એક વૈશ્વિક પર્વ છે. જેનાથી લોકો એકબીજા સાથે જોડાઈ રહ્યાં છે. ઉપરાંત તેમણે યોગને પાર્ટ ઓફ લાઈફ નહીં પરંતુ વે ઓફ લાઈફ બનાવવા અપીલ કરી હતી.
યોગ દિવસની ઉજવણીમાં ભાજપ પ્રદેશ મંત્રી શ્રી ઝવેરીભાઈ ઠકરાર, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી માનસિંહભાઈ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબહેન વાજા, નગરપાલિકા પ્રમુખ શ્રી પિયુષભાઈ ફોફંડી સહિતના પદાધિકારીઓ તેમજ જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહીલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલે, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સહિત તમામ અધિકારીઓ, અગ્રણીઓ અને સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા અને ટ્રસ્ટના કર્મચારીઓ સહિત બહોળા પ્રમાણમાં નાગરિકોએ પણ યોગાભ્યાસ કર્યા હતાં.
આ યોગપર્વ નિમિત્તે સામાન્ય નાગરિકોની વિશાળ જનભાગીદારીથી સમગ્ર જિલ્લામાં વિવિધ નગરપાલિકા, ગ્રામ્ય તેમજ તાલુકા કક્ષા, શાળા, કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓ, જિલ્લા જેલ, આરોગ્ય કેન્દ્ર, પોલીસ સ્ટેશન તેમજ સ્વૈચ્છીક સંસ્થાઓ અને વિવિધ જગ્યાએ યોગ દિવસની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.


