ગિરગઢડા
ભરત ગંગદેવ
ગીર સોમનાથ જિલ્લામાં સતત ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ગીર સોમનાથ જિલ્લામાં વધુ મુશ્કેલી ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે રિસરફેસિંગ કામગીરી તેમજ નદી નાળામાં પણ સાવચેતીના ભાગરૂપે નાળાઓ પાસે ફસાયેલ જાળી-ઝાંખરા હટાવવામાં આવ્યા છે. આગામી દિવસોમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા છે ત્યારે અતિ વરસાદના પગલે કોઈ અકસ્માત કે પાણી ભરાવાની સમસ્યાને પહોંચી વળવા જિલ્લા તંત્ર સતર્કતા ભરી કામગીરી કરી રહ્યું છે.
જિલ્લામાં કેટલાક સ્થળે કાંકરી ઉખડી ગયેલા રોડ, ધોવાઇ ગયેલાં રોડ, તેમજ ખાડાવાળા રોડ એમ વરસાદથી નુકસાન પામેલા રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું છે. જેથી લોકોને વધુ હાલાકી ન પડે. ગામડાંને જોડતા રસ્તાઓ અને મુખ્ય માર્ગોને જોડતા રસ્તાઓ વરસાદી પૂરના કારણે વધુ ડેમેજ ન થાય તેમજ આગામી વરસાદની આગાહી માં ગામડાઓ સંપર્ક વિહોણા ન બને તે માટે રિસરફેસનું કામ કરવામાં આવ્યું છે.
ખાસ કરી સુત્રાપાડાના ધામળેજ ગામ પાસેનો રોડ, તાલાલા રોડ પાસે જામવાળા રોડ તેમજ માધવપુર-પ્રાચી રોડ પાસે વરસાદથી નુકસાન પામેલા રોડનું કામ સંતોષપૂર્વક થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા મશીનરી-મેનપાવર સહિતની સુવિધાઓની ત્વરિત વ્યવસ્થા કરી છે અને રિસરફેસિંગનું કામ યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવ્યું છે.

