Gujarat

ગુજરાતના ખેડૂતને નાળિયેરીના પાકમાં પ્રતિ હેક્ટરે ₹6,500 સુધીની સબસીડી પણ મળશે  

 “વિશ્વ કોકોનેટ ડે”ના કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમર દ્વારા રાજયકક્ષાની છઠ્ઠી કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડ ઓફીસનું લોકાર્પણ જૂનાગઢ ખાતે કરાયુ હતું. ગુજરાતમાં કોકોનેટ બોર્ડની પ્રથમ રાજ્ય કક્ષાની કચેરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.કેન્દ્રીય મંત્રીશ્રીએ વિશ્વ નાળિયેર દિવસ પર કોચી, કેરળ ખાતે ખેડૂતોને સંબોધિત કર્યા હતા. બાદમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે સૌરાષ્ટ્રના નાળિયેરનું ઉત્પાદન કરતા ખેડૂતોને કેન્દ્રીય મંત્રીશ્રી એ સંબોધિત કર્યા હતા.

        આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યુ હતું કે, કૃષિ ક્ષેત્રે દેશે પ્રાપ્ત કરી અનેક ઉપલબ્ધીઓ પ્રાપ્ત કરી છે. ત્યારે ગુજરાતમાં નાળિયેરીના પાકનો વાવેતર વિસ્તાર વધે તે માટે  કેન્દ્ર સરકારના કૃષિ વિભાગ દ્વારા કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડની રચના કરવામાં આવી છે. આ બોર્ડ દ્વારા દરિયાઇ વિસ્તારમાં વધુને વધુ નાળિયેરનું ઉત્પાદન થાય,  નાળિયેરના પાકનું વાવેતર થાય અને નાળિયરેના પાક માટેની વિવિધ સરકારી યોજનાનો લાભ ખેડૂતો મળે તે માટે કામ થઇ રહયુ છે.  પૂરા દેશમાં ગુજરાતમાં સૌથી વધુ મોટો ૧૬૦૦ કિમિનો દરિયા કિનારો હોઇ ભારત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ જૂનાગઢ ખાતે કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડની કચેરી કાર્યરત કરવાનો નિર્ણય કરાયો છે. જેનાથી ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારો નાળિયેરીના વિસ્તારોમાં નાળિયેરીનો પાક વધશે. તેમજ ખેડૂતોને તેનો ફાયદો મળશે. બોર્ડ દ્વારા નાળિયેરીના ખેડૂતોને સહાય આપવા સહિતની યોજનાઓનો લાભ આ અહીના ખેડૂતોને મળશે. બોર્ડ દ્વારા વધુને વધુ ખેડૂતો સુધી પહોંચી શકાશે. નાળિયેર વિકાસ બોર્ડ એ ખેડૂતો માટે વરદાન સાબિત થશે. નાળિયેર ઉત્પાદનમાં દેશ સમગ્ર વિશ્વમાં પ્રથમ સ્થાને છે.

જૂનાગઢમાં કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડની કચેરી શરૂ થતા ખેડૂતોને સંશોધનનો લાભ મળશે. વધુ ઉત્પાદન આપતી નાળિયેરીની જાતોનું સંવર્ધન થશે. ઘર આંગણે નાળિયેરી ના સંવર્ધન અને વૃદ્ધિ માટે વિશેષ માર્ગદર્શન મળશે.

મંત્રીશ્રી એ વધુમાં કહ્યું હતું કે, ગુજરાત એ ગાંધીજી, દેશને એક કરનાર સરદાર પટેલ, મોરારજી દેસાઈની પાવન ભૂમિ છે. ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં  અને કૃષિમંત્રી રાધવજીભાઈ પટેલના માર્ગ દર્શનમાં ખેડુતો કૃષિક્ષેત્રે પ્રગતિ કરી રહ્યા છે. જૂનાગઢ સંતો મહંતોની પવિત્ર ભૂમિ છે. ગિરનારમાં મા અંબાના દર્શન કર્યા. ત્યારે ત્યાંનો રોપવે એ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની ફળશ્રુતિ રૂપે જોવા મળી. તેમના સુશાસનમાં દેશ અનેક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નાળિયેર ઉત્પાદનમાં સમગ્ર વિશ્વમાં ભારત અગ્રણી દેશ છે. આ ક્ષેત્રમાં આશ્ચર્યજનક સ્થિતિ પ્રાપ્ત કરી છે. વર્ષ ૨૦૨૧-૨૨માં ભારતમાં નાળિયેરનું ઉત્પાદન ૧૯૨૪.૭ કરોડ ફળનું હતુ. વૈશ્વિક ઉત્પાદનમાં ભારતનું યોગદાન ૩૧ ટકા છે. દેશમાં પ્રતિ હેકટર દીઠ ૯૪૩૦ ફળ થાય છે. દેશમાં નાળિયરેની ખેતી કુલ ૨૧.૧૦ લાખ હેકટર ક્ષેત્રમાં છે.

કૃષિ મંત્રીશ્રી રાધવજીભાઈ પટેલે જણાવ્યું કે, રાજ્યના ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે ભારત સરકાર દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ જૂનાગઢ ખાતે “કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડની” કચેરી કાર્યરત કરવાનો નિર્ણય કરાયો છે. જેથી રાજ્યના નાળિયેર પકાવતા ખેડૂતો વતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનતા કહ્યું હતું કે, ગુજરાતના ૧૪ જિલ્લામાં દરિયાકિનારો છે. જેમાં માંગરોળ,ચોરવાડ, માળીયા,ગીરસોમનાથ અને પોરબંદર સહિતના દરિયાઈ વિસ્તારમાં નાળિયેરનું પાકનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં ૨૬ કરોડ નાળિયેરનું ઉત્પાદન થાય છે. તેમાં નાળિયેરી બોર્ડ ગુજરાતમાં કાર્યરત કરવાથી તેમાં વધારો થશે. નાળિયેરના ઉત્પાદનને વેગ મળશે. નાળિયેરના ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. સાથે જ નાળિયેરના ખેડૂતોની આવક વધશે. ખેડૂતોએ નાળિયેર ક્ષેત્રમાં ઉપલબ્ધ સંભાવનાનો ભરપૂર ફાયદો લેવો જોઈએ. કેસર કેરી બાદ સોરઠ નાળિયેર ક્ષેત્રે પણ અગ્રેસર બનશે.

તેમણે વધુંમાં ઉમેર્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં નાળિયેરીના પાકનો વાવેતર વિસ્તાર ૨૫ હજાર હેકટર છે જેમાંથી ૨૧૩૧ લાખ કોકો નટનું ઉત્પાદન થાય છે.  જે પૈકી ૧૫ હજાર હેકટર વાવેતર વિસ્તાર તો માત્ર જૂનાગઢ – ગિર સોમનાથમાં જ છે.  નાળિયેરની ખેતીમાં સમગ્ર ગુજરાતમાં જૂનાગઢ- ગિર સોમનાથ જિલ્લો પ્રથમ સ્થાને છે. સૌથી વધુ ગુજરાતમાં નાળિયેરનું ઉત્પાદન ગિરસોમનાથમાં જ થાય છે. જૂનાગઢ જિલ્લામાં ફળોમાં  પ્રથમ કેરી અને પછી નાળિયેરનો પાક સૌથી વધુ થાય છે. જિલ્લામાં નાળિયેરનો ૬૩૦૦ હેકટર વાવેતર વિસ્તાર છે. માંગરોળમાં નાળિયેરી પાક માટેના રોપાઓ રોપ ઉછેર કેન્દ્રમાં તૈયાર કરવામાં આવે છે. ગુજરાતમાં પ્રતિ હેકટર નાળિયેરની ઉત્પાદકતા ૮૫૪૨ છે.

આ પ્રસંગે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ જૂનાગઢમાં કોકોનેટ ડેવલપપેન્ટ બોર્ડની રાજ્યકક્ષાની ઓફિસ કાર્યરત થવાનો આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે, અહીંયા કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડની કચેરી કાર્યરત થવાથી આ વિસ્તારના ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થવાની સાથે નાળિયેરીની ખેતિને પણ વેગ મળશે. તેમ જણાવતા સાંસદશ્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વિસ્તારના ખેડૂતોના વિકાસ માટે વિશેષ ધ્યાન આપ્યું છે. તે માટે તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.

કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડના જોઇન્ટ સેક્રેટરી ડો.વિજયા લક્ષમીએ વર્ચ્યુઅલ પ્રાસંગીક પ્રવચન કરતાં કહ્યું હતું કે,નાળિયેરના પાક માટે દરિયાકાંઠાના ગરમ અને ભેજવાળા હવામાન તેમજ વધારે વરસાદવાળા વિસ્તારો અગત્યના છે. શાસ્ત્રોમાં પુરાણકાળથી નારિયેળના વૃક્ષોનો ઉલ્લેખ જોવા મળે છે. લોકજીવનમાં લગ્ન ગીતોથી માંડી કહેવતોમાં નાળિયેર જોડાયેલું છે. માણસના જન્મથી માંડી લગ્ન અને મરણ સુધી સાથે રહેલા નાળિયેરને “શ્રીફળ” એટલે લક્ષ્મીજીનું ફળ શુકનવંતુ મનાય છે.આ વૃક્ષના તમામે તમામ ભાગોનો એક યા બીજી રીતે ઉપયોગ થતો હોય તેને “કલ્પવૃક્ષ” અથવા “સ્વર્ગનું વૃક્ષ” પણ કહેવાય છે. હવે નાળિયેર બોર્ડ દ્વારા દેશભરમાં નાળીયેરની ખેતીનો વ્યાપ વધારવાનું કામ થઈ રહ્યું છે.

જૂનાગઠમાં સ્વાગત પ્રવચન ભારત સરકારના કૃષિ વિભાગના બાગાયત કમિશનર ડો.પ્રભાતકુમારે કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે નાળિયેર પકવતા ખેડૂતોને કેન્દ્ર સરકાર દ્વારા બોર્ડના માધ્યમથી ₹6,500 સુધીની પ્રતિ હેક્ટર સબસીડી મળે છે.ગુજરાતમાં 26 કરોડ નાળિયેરનું વાર્ષિક ઉત્પાદન થાય છે. કાર્યક્રમના અંતે મંત્રીશ્રીઓએ મહુવા કૃષિ કેન્દ્રની નાળીયેરની વિવિધ જાતોની નરીક્ષણ કર્યું હતું.

આ તકે ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ શાંતાબેન ખટારીયા,  મેયરશ્રી ગીતાબેન પરમાર, ઇન્ચાર્જ કલેકટરશ્રી મિરાંત પરીખ, કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડ,  બાગાયત નિયામક શ્રી વઘાસીયા, ડેપ્યુટી મેયરશ્રી ગીરીશભાઈ કોટેચા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, વાઈસ ચાન્સેલર શ્રી ચોવટીયા,  અધિક નિવાસી કલેકટર શ્રી બાંભણિયા સહિતના અધિકારી, પ્રાંત અધિકારી શ્રી ભૂમિબેન કેશવાલા સહિતના પદાધિકારી અધિકારી અને માટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ બોર્ડના મહારાષ્ટ્રના ડેપ્યુટી ડાયરેકટર ડો.દેવનાથે કરી હતી.

Coconut-board-sabha-1.JPG

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *