છોટાઉદેપુર જિલ્લામાં જલશક્તિ અભિયાન અંતર્ગત કરવામાં આવી રહેલી કામગીરીનું ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નાયબ સચિવ એલેકસ થોમસને જિલ્લાના નોડલ અધિકારી તરીકે નિમણુંક કરાતા તેઓ છોટાઉદેપુર જિલ્લામાં જલશક્તિ અભિયાન અંતગર્ત કરવામાં આવેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
નોડલ અધિકારી થોમસે છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદનના વીડીયો કોન્ફરન્સ હોલમાં જલશક્તિ અભિયાન સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કર્યાના તુરંત બાદ જલશક્તિ અભિયાન અંતર્ગત જિલ્લામાં કરવામાં આવેલી કામગીરીની નિરીક્ષણ માટે નિકળી ગયા હતા.
તેઓએ છોટાઉદેપુર તાલુકાના ગાંઠિયા ગામે બનાવવામાં આવેલા તળાવનું નરીક્ષણ કર્યું હતું. તળાવના નિરીક્ષણ બાદ તેમણે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે વાત કરી તળાવની કામગીરીની અથથી ઇતિ સુધીની માહિતી મેળવી હતી. આ ઉપરાંત તળાવ બનવાથી ગામલોકોને થયેલા ફાયદાઓ અંગે પણ તેમણે માહિતી મેળવી હતી.
ગામના વડીલ ફુલસીંગભાઇ રાઠવાએ તેમને તળાવ બનવાથી ગામલોકોને કેટલો ફાયદો થયો છે એ અંગે સંક્ષિપ્ત જાણકારી આપી હતી.
ગાંઠીયા બાદ નોડલ અધિકારી અને તેમની ટીમ પાનવડ ખાતે જિલ્લા પંચાયત, સિંચાઇ વિભાગ દ્વારા ઉંડા કરવામાં આવેલા તળાવની મુલાકાત લીધી હતી. પાનવડ ખાતે પણ તેમણે ઉપસ્થિત સરપંચ સાથે વાતચિત કરી તળાવના પાણીના ઉપયોગ અંગે માહિતી મેળવી હતી.
સરપંચે તળાવના પાણીના ઉપયોગ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આજુબાજુના ખેડૂતો આ તળાવના પાણીનો સિંચાઇ માટે ઉપયોગ કરે છે જેનાથી તેઓ રવિ સિઝનમાં સિઝન અનુસાર પાક લે છે એમ જણાવ્યું હતું.
ગાંઠિયા ગામે મીડીયાકર્મીઓ સાથે વાત કરતાં નોડલ અધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયત અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખૂબ સરસ કામગીરી કરવામાં આવી છે. આ તળાવ ચાલીસ ફુટ ઉંડું છે. ઉનાળામાં પણ આ તળાવમાં ત્રીસેક ફુટ જેટલું પાણી રહે છે જેનાથી ગામલોકોને પાણીની તકલીફ પડતી નથી. ખેડૂતોને સિંચાઇનું પાણી મળી રહે છે. પશુપાલકોને તેમના પશુઓ માટે પણ પુરતું પાણી ઉપલબ્ધ થાય છે તેમજ જંગલી પશુઓ, પક્ષીઓને પણ પાણી મળી રહે છે. સૌથી મોટી વાત એ છે કે, તળાવ બનાવથી ભૂગર્ભ જળસપાટી પણ ઉપર આવી છે એમ જણાવી તેમણે જલશક્તિ અભિયાન અંતર્ગત જિલ્લામાં થયેલી કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
તેમની આ મુલાકાત દરમિયાન તેમની સાથે આવેલ અધિકારી વર્માજી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.ડી.ભગત, તાલુકા વિકાસ અધિકારી છોટાઉદેપુર ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી કવાંટ પટેલ, પંચાયત સિંચાઇના ઇજનેર હરીશભાઇ ગામીત, ગામના સરપંચો, અન્ય અધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


