જામનગર
જામનગરમા શહેરના કાલાવડ નાકા બહાર રહેતા શબ્બિરભાઈ ગફારભાઈ ઉર્ફે કાલુ રાતે પોતાની પત્ની સાથે બાઇક પર નીકળ્યો ત્યારે જુબેર બાજરિયા નામના શખ્સે તેની મશ્કરી કરી હતી. જેને લઈને શબ્બીર અને આરોપી વચ્ચે બોલાચાલી થઈ હતી. પોતાની પત્ની સાથે મોટર સાયકલમાં નીકળેલો શબ્બિર ત્યાંથી ચાલ્યો ગયો હતો. દરમિયાન બંને પક્ષે સમાધાન અંગે વાતચીત થઈ હતી. જેને લઈને આરોપી સદામે શબ્બીરને ચાંદી બજાર નજીક સમાધાન માટે બોલાવ્યો હતો. ચાંદી બજાર પહોંચેલા શબ્બીર સાથે થોડીવારમાં જ આરોપી સદામ મહમ્મદ બાજરીયા અને તેની સાથેના અન્ય ત્રણ આરોપીઓ જુબેર મહમ્મદ બાજરિયા, મોહસીન ઉર્ફે ખજૂર ઈકબાલ શેખ, વસીમ સુલેમાન બશર સહિતના આરોપીઓએ ઉગ્રતા દાખવતા ફરી બોલચાલી કરી હતી. જેમાં ઉશ્કેરાઈ ગયેલા ચારેય આરોપીઓએ હુમલો કર્યો હતો. ચાર પૈકીના એક આરોપીએ છરીનો એક ઘા શબ્બિરના પેટના ભાગે ઝીંકી દેતા શબ્બિર ત્યાં જ ઢળી પડ્યો હતો. જેને લઈને આરોપીઓ નાસી ગયા હતા. આ બનાવની જાણ થતાં જ મૃતકના પરિવાર, કુટુંબીજનો અને મિત્રો ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં લોહીના ખાબોચિયામાં પડેલા શબ્બિરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જાે કે ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવના પગલે સીટી એ ડિવિઝન પીઆઇ એમ.જે.જલુ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળ બાદ હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે ત્વરિત વિગત જાણી તાત્કાલિક તપાસ શરૂ કરી નાસી ગયેલ આરોપીઓ સુધી પહોંચવા કોમ્બિંગ કર્યું હતું. આ બનાવ અંગે પોલીસે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધી હતી. જેમાં મશ્કરી જેવી સામાન્ય બાબતે થયેલા મનદુઃખને લઈને યુવાનને સમાધાન માટે બોલાવી આરોપીઓએ હત્યા નિપજાવી હોવાનો આરોપ લગાવાયો છે. મેમણ પરિવારના પિતાનો એકનો એક પુત્ર શાકભાજીનો ધંધો કરતો હોવાનું જાણવા મળ્યું છે. હત્યા પ્રકરણની મોટી કરૂણતા એ છે મૃતક યુવાનના ત્રણ માસ પૂર્વે જ નિકાહ થયા હતા. પોતાની પત્નીને હાથની મહેંદી પણ યથાવત છે, ત્યાં વિધવા થઈ જતા પરિવાર ઊંડા આઘાતમાં સરી પડ્યો હતો.જામનગરમાં વધુ એક કરપીણ હત્યાનો બનાવ બનવા પામ્યો છે. કાલાવડ નાકા બહાર સામાન્ય બાબતે થયેલી બોલચાલી મામલે યુવાનને સમાધાન માટે બોલાવી ચાર શખ્સોએ વેતરી નાખતાં સનસનાટી મચી જવા પામી છે. જામનગર સીટી એ ડિવિઝન પોલીસે ચારેય શખ્સોની ભાળ મેળવી લીધી છે. સૂત્રોમાંથી મળતી વિગત મુજબ પિતાના એકના એક મૃતક પુત્રના ત્રણ માસ પૂર્વે નિકાહ થયા છે. આ બનાવના પગલે પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.


