Gujarat

જામનગર નજીક આવેલ પિરોટન ટાપુ દરિયાઈ જીવસૃષ્ટિને કારણે ફેમસ

જામનગર
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લો વિશાળ દરિયાકાંઠો ધરાવે છે. આ દરિયામાં દરિયાઈ જીવસૃષ્ટિ હોવાથી તેના રક્ષણ માટે મરીન નેશનલ પાર્ક પણ જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં જ પિરોટન ટાપુ આવેલો છે. જામનગરના બેડીબંદરથી અંદાજે ૨૨ નોટિકલ માઈલના અંતરે પિરોટન ટાપુ આવેલો છે. દરિયામાં જ્યારે ટાઈડનો સમય હોય ત્યારે જ બોટ મારફત ટાપુ પર જઈ શકાય છે. સામાન્ય રીતે દરિયાઈ અભયારણ્યમાં દરિયાઈ જીવસૃષ્ટિ નિહાળવાનો આનંદ લેવા માટે પ્રવાસીઓએ સ્કુબા ડાઈવિંગ કરવું પડતું હોય છે, પરંતુ પિરોટન ટાપુ એવો ટાપુ છે કે અહીં પ્રવાસી ઓટના સમયે પગપાળા ચાલી નરી આંખે દરિયાઈ જીવસૃષ્ટિ જાેવાનો આનંદ ઉઠાવી શકે છે. અહીં રેતાળ રણ, પથ્થરો વચ્ચે વિપુલ પ્રમાણમાં દરિયાઈ જીવસૃષ્ટિનો નજારો જાેવા મળે છે, જેમાં પરવાળા, ઓક્ટોપસ, સમુદ્ર ફુલ, જેલી ફિશ, દરિયાઈ કીડા, ઢોંગી માછલી, દરિયાઈ ગોકળગાય, ૧૦૮ જાતની લીલ, ૮૦ જાત દરિયાઇ વાદળીઓ, ૩૭થી વધુ જાતના સખત અને નરમ વૈવિધ્યપૂર્ણ પરવાળા, ૨૭ જાતના ઝીંગા, ૨૦ વધુ જાતના કરચલા, શંખલા, છીપલાં ૨૦૦થી વધુ જાતનાં મૃદુકાય સમુદાયના પ્રાણીઓ, ૧૫૦થી ૨૦૦ પ્રકારની માછલીઓ, ૩ જાતના અલભ્ય દરિયાઇ સાપ, ૯૪થી વધુ જાતનાં પાણીનાં પક્ષીઓ, ૭૮થી વધુ જાતના જમીન પરના પક્ષીઓ ચેરનાં વૃક્ષો સહિતની અસંખ્ય જીવ સૃષ્ટિઓ જાેવા મળે છે. પિરોટન ટાપુ પર જવા માટે પ્રવાસીઓએ ફોરેસ્ટ વિભાગની મંજૂરી લેવી જરૂરી છે. મંજૂરી લેવા માટે પ્રવાસીએ હાજર રહેવાની જરૂર નથી. અન્ય વ્યક્તિ પણ પ્રવાસીઓ વતી મંજૂરી મેળવી શકે છે. જાેકે મંજૂરી લેનારી વ્યક્તિએ પોતાનું આઈડી પ્રૂફ અને જે પ્રવાસીઓએ મંજૂરી લેવાની છે તેની વિગત આપવાની રહે છે. ફોરેસ્ટ વિભાગની મંજૂરી મળ્યા બાદ પ્રવાસીએ બોટના માધ્યમથી પિરોટન ટાપુ પર જવાનું રહે છે. ચાલુ વર્ષે ફોરેસ્ટ વિભાગ દ્વારા જ બોટની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ બોટમાં મુસાફરી માટે પ્રવાસીએ અલગથી ફી ચૂકવવાની રહે છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા કોઈ કારણસર પિરોટન ટાપુ પર પ્રવાસીઓની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. ૫ વર્ષ સુધી પ્રવાસીઓ માટે આ ટાપુ બંધ રહ્યા બાદ આ વર્ષથી જ પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જાન્યુઆરીથી અત્યારસુધીમાં ૮૦૦ જેટલા પ્રવાસીઓએ મુલાકાત કરી હતી. પિરોટન ટાપુની મુલાકાત માટે શિયાળાનો સમય પ્રવાસીઓ માટે સાનુકૂળ રહે છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે જ્યારે પિરોટન ટાપુ ખુલ્લો મૂકવામાં આવ્યો હોય ત્યારે પ્રવાસીએ જામનગર ફોરેસ્ટ વિભાગની કચેરીએથી ઓફલાઈન મંજૂરી મેળવવાની રહે છે. મંજૂરી મળ્યા બાદ ફોરેસ્ટ વિભાગ દ્વારા નક્કી કરાયેલી બોટમાં જ સવાર થઈ પ્રવાસીએ પિરોટન ટાપુ જવાનું રહે છે. પ્રવાસીએ બોટનો અલગથી ચાર્જ ચૂકવવાનો રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *