પાટણ,
પાટણ જિલ્લામાં ખેડૂતોને અનેક પ્રશ્નોના મુદ્દે હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યા છે. સરકાર ખેડૂતલક્ષી અને સંવેદનશીલ હોવાના માત્ર દાવા કરે છે પરંતુ વાસ્તવિકતા કંઇક જુદી જ છે. આ સરકાર ખેડૂતલક્ષી નહીં પરંતુ અસંવેદનશીલ સરકાર હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. જિલ્લામાં સરકાર ખેડૂતલક્ષી યોજનાઓની જાહેરાત કરે છે પરંતુ આ યોજનાઓ કેટલા અંશે અસરકારક થાય છે તેની ચિંતા આ સરકારે કયારેય કરી નથી. વધુમાં જમીન માપણી, પાણી, સિંચાઇ યોજના સહિતના વિવિધ પ્રશ્નોના મુદ્દે ખેડૂતો હેરાન પરેશાન થઇ રહયા છે તેમ છતાં આ સંવેદનશીલ સરકાર દ્વારા હજુ સુધી કોઇ નકિકર કામગીરી કરવામાં આવી નથી. જમીનોમાં ખોટી સ્ટેમ્પ ડ્યુટી ભરાવી મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત જિલ્લામાંથી પસાર થતી સુજલામ સુફલામ અને નર્મદા કેનાલનું પાણી સરસ્વતી, બનાસ અને રુપેણ નદીમાં ઠાલવવામાં આવેતોમોટાભાગના ગામોને તેનો લાભમળી શકે તેમ છે.માયનોર કેનાલો બનાવી છે પરંતુ તેમાં પાણી છોડવામાં આવતું નથી. જિલ્લામાં અનેક પ્રશ્ને ખેડૂતનું શોષણ થઇ રહ્યું છે. પાણીના સ્તર ઊંડા જવા, નર્મદા અને અન્ય યોજનાનું કમાન્ડ વિસ્તારોમાં અમલ કરવામાં આવ્યો નથી. તળાવોમાં પાણી ભરવાને બદલે રણમાં છોડી દેવામાં આવે છે તેવા આક્ષેપો કર્યા હતા.આ ઉપરાંત જમીન માપણીના નામે ખેડૂતોને મુર્ખ બનાવવામાં આવી રહ્યા છે. જાે આગામી દિવસોમાં ખેડૂતોના પ્રશ્નો અંગેસરકાર ગંભીરતાથી વિચારણા નહીં કરે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર, શહેર પ્રમુખ ભરત ભાટીચા, હરેશ બારોટ, બાબુજી ઠાકોર સહિત કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના નેજા હેઠળ પાટણ કિસાન કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ મુદ્દે કલેકટર કચેરી ખાતે રેલી સ્વરુપે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.


