Gujarat

બોટાદમાં નવનિર્મિત પોલીસ અધિક્ષકની કચેરી,રિઝર્વ પોલીસ ઈન્સપેક્ટરની કચેરી,પોલીસ તાલીમ કેન્દ્રનું લોકાર્પણ કરતાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી

મોટી કોર્પોરેટ કંપનીને શરમાવે તેવી બોટાદની આ સરકારી કચેરી જીમ, લાઈબ્રેરી સહિતની અત્યાધુનિક સવલતોથી સુસજ્જ છે: ગૃહમંત્રી હર્ષ સંઘવી
બોટાદને કુલ રૂ.૧૬ કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત પોલીસ હેડ કવાર્ટર્સની મળી ભેટ
  બોટાદવાસીઓની સુખાકારીમાં વધારો કરવા ડબલ એન્જિનની સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે બોટાદમાં નવનિર્મિત પોલીસ અધિક્ષકની કચેરી, રિઝર્વ પોલીસ ઈન્સપેક્ટરની કચેરી, પોલીસ હેડ ક્વાર્ટર તથા તાલીમ કેન્દ્રની તકતીનું અનાવરણ કરી લોકાર્પણ કરાયું હતું.આ અવસરે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દેશના કોઈ રાજ્યની પોલીસ કચેરીઓમાં સુવિધાઓ નહીં હોઈ તેવી વ્યવસ્થા બોટાદની એસ.પી કચેરીમાં ઉભી કરવામાં આવી છે. જિલ્લાનો કોઈપણ નાગરિક કચેરીએ જશે ત્યારે કચેરીના રિસેપ્શન પરથી જ મદદ મળી રહેશે. એસ.પી કચેરીમાં ઘોડિયાઘર પણ તૈયાર કરવામાં આવ્યું છે. જેથી ફરજ બજાવતી બહેનો તેમજ અન્ય મહિલાઓના બાળકોનો પણ દિવસ પસાર થઈ શકે. કોઈ મોટી કોર્પોરેટ કંપનીને શરમાવે તેવી આ સરકારી કચેરી જીમ, લાઈબ્રેરી સહિતની આધુનિક સુવિધાઓથી સુસજ્જ છે. હર્ષ સંઘવીએ બોટાદના યુવાનોને સતત માર્ગદર્શન આપતા રહેવા બદલ પોલીસની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યાં હતા.વધુમાં  ગૃહમંત્રીએ ઉમેર્યુ હતું કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં  બોટાદ જિલ્લાએ અદભૂત પ્રગતિ કરી છે. આ માટે બોટાદ જિલ્લા વહિવટીતંત્ર અભિનંદનને પાત્ર છે. બોટાદની નગરી એટલે ધર્મ નગરી. જિલ્લાની ચારેય દિશાઓમાં ધાર્મિક સ્થળો આવેલા છે. જે લાખો-કરોડો લોકોની ભાવના અને શ્રદ્ધા સાથે જોડાયેલા છે. બોટાદમાં પથ્થર ઘસાઈને હીરા બને છે. શ્રી સંઘવીએ હીરાના તમામ વેપારીઓને અભિનંદન પાઠવ્યાં હતા.આ તકે  ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, કોઈ ગુનેગાર ભુલથી પણ બહારથી આવીને બોટાદ જિલ્લાની બોર્ડર પાર કરવાની હિંમત ન કરે તે પ્રકારના કેમેરા પોલીસ દ્વારા ગોઠવવામાં આવ્યા છે.  પોલીસની “ત્રીજી આંખ” સમાન CCTV કેમેરાથી કોઈ ગુનેગાર નહીં બચી શકે. તમામ દિશામાં આપણે સૌ આગળ વધી શકીએ તે માટે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ પોલીસ પ્રશાસન શ્રેષ્ઠ રીતે કરી રહ્યું છે. કોરોના, તાઉતે જેવી વિકટ પરિસ્થિતિમાં ઉમદા કામગીરી બદલ હર્ષ સંઘવીએ બોટાદ પોલીસની કામગીરીને બિરદાવી હતી.રાજ્યકક્ષાના મંત્રીશ વિનોદ મોરડીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના ઉર્જાવાન નેતૃત્વમાં દેશે વિકાસની હરણફાળ ભરી છે. બોટાદના  કાનીયાડ ગામે  GIDC નું આજે  ભુમિપુજન કરવામાં આવ્યું જેથી આગામી સમયમાં બોટાદ શહેરી વિસ્તાર સહિત આસપાસના લોકોને પણ સ્વરોજગારી મળવાની સાથે તેઓ  આત્મનિર્ભર બનશે તેવો દ્રઢ આત્મવિશ્વાસ મંત્રી મોરડીયાએ વ્યક્ત કર્યો હતો.વધુમાં મંત્રી મોરડીયાએ જણાવ્યું હતું કે,આજે તમામ ક્ષેત્રે પરિણામલક્ષી કાર્ય થકી સામાજિક સમરસતાનું વાતવરણ સર્જાયું છે સરકારની અનેકવિધ જન કલ્યાણલક્ષી યોજનાઓના ફળ ગરીબો, પીડીતો સહિત જરૂરીયાતમંદ લોકોને સાચા અર્થમાં  પહોચી રહ્યા  છે જેની પ્રતિતિ છેવાડાના  લોકોને પણ થઇ રહી હોવાનું  તેમણે જણાવ્યું હતું. બોટાદમાં પોલીસ અધિક્ષકની કચેરી બનવાની સાથે જ બોટાદવાસીઓને તેનો સુવિધાસભર લાભ મળી રહે છે તેમ મંત્રી મોરડીયાએ ઉમેર્યું હતું.પોલીસ મહાનિદેશક અને રાજ્ય  મુખ્ય પોલીસ અધિકારી આશિષ  ભાટીયાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા લોકોની સુરક્ષા, શાંતિ અને સલામતી જળવાઇ રહે તે માટેના અનેકવિધ પગલાંઓ લેવામાં આવ્યાં છે. બોટાદમાં સ્માર્ટ પોલીસ સ્ટેશન બનાવાથી કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે તેમજ  સરકારશ્રી દ્વારા અમલી “વિશ્વાસ પ્રોજેક્ટ” પણ ખૂબ જ ઉપયોગી બની રહ્યો હોવાનું મુખ્ય પોલીસ અધિકારી આશિષ  ભાટીયાએ ઉમેર્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે બોટાદ ખાતે રૂ. ૧૨.૮૮ કરોડના ખર્ચે પોલીસ અધિક્ષકની કચેરી તથા રૂ. ૨.૪૨ કરોડના ખર્ચે રિઝર્વ પોલીસ ઈન્સપેક્ટર ની કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો રૂ.૭૫.૨૧ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલું જિલ્લા પોલીસ તાલીમ કેન્દ્ર પણ અત્યાધુનિક સુવિધાઓથી સભર છે. આજે બોટાદ જિલ્લાને કુલ રૂ.૧૬ કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત એસ.પી. કચેરીની ભેટ મળી  છે.કાર્યક્રમના પ્રારંભે  રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નવનિર્મિત પોલીસ અધિક્ષકની કચેરીના ઓડીટોરીયમ, કંટ્રોલ રૂમ, પોલીસ વેલફેર જીમ, લાઈબ્રેરી તથા વિવિધ શાખાઓની મુલાકાત લીધી હતી. આ વેળાએ  જિલ્લા પોલીસ અધિક્ષક કે. એફ. બળોલીયાએ જરૂરી તકનીકી માહિતીથી સૌને વાકેફ કર્યાં હતાં. આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનુ મંચ પર જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઇ વીરાણી સહિત જિલ્લાના પદાધિકારીઓએ પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સ્વાગત અભિવાદન કર્યુ હતું. આ ઉપરાંત રાણપરમાં આવેલ વિશ્વ વિખ્યાત ટેક્ષપીન બેરીંગ કંપનીના માલીક વિશાલભાઈ મકવાણા અને RMP બેરીંગ કંપનીના માલીક મિતેનભાઈ મકવાણા એ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી નું સન્માન કર્યુ હતુ
 બોટાદ જિલ્લા સંગઠન વેપાર મંડળ, એડવોકેટ એસોશિયેશન, પોલીસ પરિવાર સહિત વિવિધ એસોસિયેશન દ્વારા તેઓનું  સન્માન કરાયું હતું. અંતમાં ગૃહમંત્રી સહિત અન્ય મહાનુભાવો દ્વારા નવનિર્મિત પોલીસ અધિક્ષકની કચેરીના સંકુલ  ખાતે  વૃક્ષારોપણ  કરવામાં આવ્યું હતું.પ્રારંભમાં ભાવનગર પોલીસ મહાનિરીક્ષક અશોકકુમારે સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.અંતમાં  જિલ્લા પોલીસ અધિક્ષક કે. એફ. બળોલીયાએ આભારદર્શન કર્યું હતું.  કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ જિલ્લા પોલીસની વિશિષ્ટ કામગીરીની ઝલક રજૂ કરતી શોર્ટ ફિલ્મ નિહાળી હતી. આ અવસરે સાંસદ ડૉ.ભારતીબેન શિયાળ,ધારાસભ્ય સૌરભભાઇ પટેલ,  આત્મારામભાઈ પરમાર,જિલ્લા કલેકટર બી. એ. શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી. ડી. પલસાણા, ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વનાળીયા, બોટાદ  મધુસુદન ડેરીના ચેરમેન ભોળાભાઇ રબારી  સહિત  જિલ્લાના પદાધિકારીઓ -અધિકારીઓ, પોલીસ કર્મીઓ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ

IMG-20221017-WA0081.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *