Gujarat

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીએ રેવા તટ પર ભવ્ય આરતી અને પૂજામાં ભાગ લીધો

પૂર્વ રાષ્ટ્રપતિશ્રી દ્વારા અમૃતસ્ય નર્મદા પદ પરિક્રમાના પાવન અવસરે વૈદિક મંત્રોચ્ચાર દ્વારા મા નર્મદાનું પૂજન કરાયું
————-
પૂર્વ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજી નર્મદા તટ સ્થિત ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતા
પૌરાણિક ગરુડેશ્વર દત્ત મંદિર ખાતે પધાર્યા
————-
આધ્યાત્મ અને દેશની એકતા અને અખંડિતતાનું પ્રતિક સરદાર સાહેબની ગગનચુંબી પ્રતિમાના સાનિધ્યમાં પૂર્વ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજી મા નર્મદાની ભવ્ય આરતી અને પૂજામાં સહભાગી થયા
————-
                    રાજપીપલા, શનિવાર :- ભારતના પૂર્વ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજી આજે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના દત્ત મંદિરના દર્શન કરીને મા નર્મદાના ઘાટ પર ભવ્ય આરતી અને પૂજામાં ભાગ લઈને નર્મદા પરિક્રમાની એક અદભૂત આધ્યાત્મિક યાત્રામાં સહભાગી થયા હતા. “આનંદ-હી-આનંદ” સંસ્થાના સંસ્થાપક પૂજ્ય સંત શ્રી વિવેકજીના સાનિધ્યમાં મા નર્મદાની પરિક્રમા તા.૦૮ મી નવેમ્બરે ઓમકારેશ્વરથી શરૂ થઈ હતી. “અમૃતસ્ય” મા નર્મદા પદ પરિક્રમા તા.૧૫ મી ડિસેમ્બરે લગભગ ૩૬ દિવસમાં ૭૮૨ કિલોમીટરની મા નર્મદાની પરિક્રમા કરીને ગરુડેશ્વર પહોંચી હતી.
                   નર્મદા પરિક્રમાની આધ્યાત્મિક યાત્રામાં સહભાગી થતા પૂર્વ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજીએ જણાવ્યું કે, મા નર્મદા પ્રકૃતિનું સાક્ષાત સ્વરૂપ છે. મા નર્મદા જ એક માત્ર નદી છે કે જેની પરિક્રમા થાય છે. મા નર્મદા આપણને બધું આપે છે. માં નર્મદા અનેક ધર્મના લોકો, જાતપાતને જોડવાનું કામ કરે છે, તેઓને એકતાનો પરિચય આપે છે. વધુમાં તેઓશ્રીએ ઉમેર્યું હતું કે, નદીઓ માત્ર પાણીનો સ્ત્રોત નથી, તે જીવનધારા છે. આપણા દેશમાં નદીઓની તુલના માતા સાથે કરવામાં આવી છે. એમના પ્રવાહથી જીવનશૈલી સરળ બની છે. આજના યુગમાં નવી ટેકનોલોજીની મદદથી અનેક ક્ષેત્રો સુધી પાણી પહોંચ્યું છે, જેના કારણે સમાજના વિકાસમાં આપણી જીવનદાયીની નદીઓનો મહત્વનો ફાળો રહ્યો છે. મા નર્મદા પદ પરિક્રમા થકી પ્રકૃતિ સાથે સંવાદ કરવાનો સાક્ષાત્કાર થાય છે.
                   “આનંદ-હી-આનંદ” સંસ્થાના સંસ્થાપક શ્રદ્ધેય શ્રી વિવેકજીએ આ પદ પરિક્રમા વિશે જણાવ્યું કે, મા નર્મદાની પરિક્રમા ભારતના શાશ્વત પુરાવા અને ઈતિહાસની પરિક્રમા છે. મા નર્મદાની પરિક્રમા લાખો વર્ષથી થઈ રહી છે, જેમના તટે આવેલ તમામ પુણ્ય તીર્થ ક્ષેત્રોનો પુનઃ પરિચય થઈ રહ્યો છે. દેશના સનાતન તીર્થનો અધ્યાય નર્મદા મૈયા છે. મા નર્મદાની પરિક્રમા સનાતન ધર્મ, શાસ્ત્ર, વિચાર અને વિરાસતની પણ પરિક્રમા છે, તેમ તેઓશ્રીએ ઉમેર્યું હતું.
                    વધુમાં પૂજ્ય વિવેકજીએ જણાવ્યું હતુ કે, એક તરફ ભારતને ઉત્તરથી દક્ષિણ સુધી જોડનારા આધ્યાત્મિક ઋષિ અગતસ્યનું તીર્થક્ષેત્ર અને બીજી તરફ રાષ્ટ્રીય એકતાના મહત્વના સ્તંભ એવા લોખંડી પુરુષ સરદાર પટેલની વિરાટ પ્રતિમા આ સ્થળને દેશની એકતાનું પુણ્ય ક્ષેત્ર બનાવે છે. તેથી જ આ સ્થાન સાંસ્કૃતિક અને સામાજિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેઓએ જણાવ્યું કે, યુવાનો જો સનાતન ધર્મ તરફ આકર્ષાય તો સનાતન પરિવેશ સાથે પરિચિત થઈ પ્રાકૃતિક ઘટનામાં વિસરાઈ ગયેલ તીર્થોને ઉજાગર કરી શકાય. પૂજ્ય વિવેકજીએ વધુમાં સમાજને પ્રકૃતિ માટેની જવાબદારીઓ અદા કરવા અનુરોધ કર્યો હતો.
               અમૃતસ્ય મા નર્મદા પદ પરિક્રમાની આ આધ્યાત્મિક યાત્રાના આ કાર્યક્રમ અવસરે નાંદોદના ધારાસભ્યશ્રી ડૉ.દર્શનાબેન દેશમુખ, જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, ઓમકારેશ્વર તીર્થક્ષેત્રના મહંતશ્રી મંગલદાસજી ત્યાગીજી, ઉજ્જૈન નિજાનંદધામથી શ્રી બ્રહ્મચારીજી મહારાજ, રાજસ્થાનના શિવધામ ધોલપુરના શ્રી શિવાનંદજી મહારાજ, શૂલપાણેશ્વરથી સોમનાથ ગિરિજી, “આનંદ-હી-આનંદ” સંસ્થાના સમિતિના કન્વીનર શ્રી જિતેન્દ્ર શર્મા અને નંદલાલ તયલ, પ્રવીણ ચૌહાણ, અજય વિજયવર્ગીય, દીપક બંસલ સહિત પદયાત્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20221217-WA0041.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *