ભાવનગર
ભાવનગર રાજ્યના દીવાન શામળદાસ મહેતાની સ્મૃતિમાં આ કોલેજ શરુ કરવામાં આવી હતી. અનેક પડકારો વચ્ચે મહારાજા તખ્તસિંહજીએ આ કોલેજનો આરંભ કરાવ્યો હતો. જેનો સંપૂર્ણ બોજાે ભાવનગર રાજ્ય પર હતો. આ એ જ શામળદાસ મહેતા હતા જેઓના દીવાનપદ હેઠળ ભાવનગર અને ભાલને જાેડતી ફેરી સર્વિસ શરૂ થઇ હતી. આ ઉપરાંત ૬૪ જેટલી વ્યાપારી પેઢીઓ અને ૨૨ નવી શાખાઓ શરૂ થઇ હતી તેમ પ્રો. કેયુર દસાડીયાએ જણાવ્યું હતું.તા.૨ જાન્યુઆરી,૧૮૮૮માં મોહનદાસ કરમચંદ ગાંધીએ ભાવનગરની શામળદાસ કોલેજમાં પ્રવેશ લીધો હતો તા.૨ જાન્યુઆરી,૨૦૨૦ના દિવસે આ ઘટનાને ૧૩૪ વર્ષ પૂર્ણ થાય છે જ્યારે સમગ્ર સૌરાષ્ટ્રની આ સૌ પ્રથમ કોલેજની સ્થાપના તા.૨ જાન્યુઆરી,૧૮૮૫ના રોજ થયેલી એટલે તે ઘટનાને આવતી કાલે ૧૩૪ વર્ષ થશે. આ ગૌરવવંતો ઇતિહાસ ધરાવતી કોલેજ સાત પેઢીના ઇતિહાસની સાક્ષી છે. ખાસ તો મહાત્મા ગાંધીના અભ્યાસનો ઇતિહાસ જાેઇએ તો તેઓનો આ કોલેજમાં અભ્યાસ નબળી કક્ષાનો રહ્યો હતો અને શિષ્યવૃતિની પરીક્ષા તેમજ ૩ સાપ્તાહિક પરીક્ષાઓમાં તેમનો શૈક્ષણિક દેખાવ નબળો રહ્યો હતો. માત્ર ભાવનગર જિલ્લો જ નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં કોલેજ શિક્ષણના આરંભ કરવાનું બહુમાન જેના ફાળે જાય છે તેવી ભાવનગરની ઐતિહાસિક શામળદાસ આર્ટસ કોલેજમાં ગાંધીજી ભણ્યા તેનો ઇતિહાસ ખંખોળીયે તો ૨ જાન્યુઆરી,૧૮૮૮એ પ્રવેશ લીધો હતો અને તેમનો એડમિશનનો ૧૧૬મો ક્રમ હતો. શામળદાસ કોલેજને છોડ્યા બાદ બાદ બાપુએ ૧૦ ડિસેમ્બર,૧૯૧૫, ૯ જાન્યુઆરી, ૧૯૨૫ અને ૩ જુલાઇ, ૧૯૩૪માં મુલાકાત લઇ વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓના કર્તવ્ય અંગે વ્યાખ્યાનો આપ્યા હતા. ઈ.સ.૧૮૮૫માં શરૂ થયેલી શામળદાસ કોલેજમાં હાલ મ્યુ.પ્રાથમિક શાળા છે. ગાંધીજીએ ૩ સાપ્તાહિક પરીક્ષા આપેલી તેમાં જેમાં ૪ ફેબ્રુઆરી,૧૮૮૮ની પરીક્ષામાં અંગ્રેજીમાં ૧૦૦માંથી ૧૬ ગુણ, તર્ક શાસ્ત્રમાં ૨૮ ગુણ, ૧૧ ફેબ્રુઆરની પરીક્ષામાં સંસ્કૃતમાં ૧૦૦માંથી ૩ ગુણ (!) મેળવ્યા તો ૭ માર્ચ,૧૮૮૮ની પરીક્ષામાં માત્ર ૧૦ ગુણ હતા.! ૯ એપ્રિલ,૧૮૮૮ની શિષ્યવૃતિની પરીક્ષામાં અંગ્રેજીમાં ૧૦૦માંથી ૩૪,ઇતિહાસમાં ૧૮,સંસ્કૃતમાં ૨૨, ભૂમિતિમાં ૫૦માંથી ૧૩ માર્ક હતા જ્યારે બીજ ગણિત, લોજીક અને ભૌતિક વિજ્ઞાનની પરીક્ષા આપી નહોતી.જૂન, ૧૮૮૮માં સત્ર પૂર્ણ થતા ગાંધીજીએ આ કોલેજ છોડી દીધી હતી. જાે કે બાદમાં મહાત્મા થયા પછી આ કોલેજ વિષે જણાવ્યું હતુ કે અભ્યાસમાં મારી જ કોઇ કચાશ હતી.


