Gujarat

મહિલા જાગૃત, સશક્ત બને અને સ્વરોજગાર મેળવતી થાય તે દિશામાં જિલ્લા વહિવટીતંત્રની સરાહનીય કામગીરી

નર્મદા જિલ્લો : “નારી વંદન ઉત્સવ” ઉજવણી
રાજપીપલાના ખેડૂત તાલિમ કેન્દ્ર – વડિયા ખાતે જિલ્લા મહિલા અને બાળ વિકાસ દ્વારા “મહિલા નેતૃત્વ દિવસ”ની કરાયેલી ઉજવણી
———-
કૃષિ તથા પશુપાલન ક્ષેત્રે વિકાસમાં નવીનતા લાવી ઉચ્ચ સિદ્ધી હાંસલ કરનાર ૩૫ જેટલી મહિલાઓને પ્રમાણપત્ર આપી કરાઈ પ્રોત્સાહિત
———–
મહિલાઓને દરેક ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડવાની તકો મળતા હવે તેઓ સ્વનિર્ભર બની અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની રહી છે : આત્મા પ્રોજેક્ટના જિલ્લા ડાયરેક્ટર શ્રી ડી.કે.સીનોરા
            નર્મદા જિલ્લામાં “નારી વંદન ઉત્સવ” અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજરોજ રાજપીપલાના વડીયા સ્થિત ખેડૂત તાલિમ કેન્દ્ર ખાતે “મહિલા નેતૃત્વ દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે પણ મહિલાઓ માટે શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર અને સુરક્ષા માટે પ્રસંશનીય કામગીરી કરી છે.૨૧મી સદીની પ્રત્યેક મહિલાઓ પુરુષોની હરોળમાં આવી ખભેખભા મેલાવીને સમાજ, રાજ્ય-રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં પોતાનુ અમૂલ્ય યોગદાન આપી રહી છે. ત્યારે નારી શક્તિને બિરદાવવાનું બીડું ઉપાડી રાજ્ય સરકારે નારીઓના સન્માન માટે આ ખાસ ઝુંબેશ શરૂ કરી છે.
           નર્મદા જિલ્લાની દરેક દિકરીઓ, મહિલાઓ જાગૃત, શિક્ષિત, સશક્ત બની સ્વરોજગાર મેળવીને પગભર બને અને અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ બને તેવા ઉમદા આશય સાથે રાજપીપલા ખાતે યોજાયેલ  મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી પ્રસંગે કાર્યક્રમમાં ઉપસ્થિત આત્મા પ્રોજેક્ટના જિલ્લા ડાયરેક્ટર શ્રી ડી.કે.સીનોરાએ ખેતી અને પશુપાલનને એક સિક્કાના બે પાસા ગણાવતા જણાવ્યું હતું કે, આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે અને દેશની ઉન્નતિનો આધાર ખેતી જ છે. આજે સરકાર દ્વારા ખેતી અને પશુપાલન ક્ષેત્રને વેગવંતુ કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકી છે. તેઓએ વધુમાં ઉમેર્યુ કે, આજે મહિલાઓને દરેક ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડવાની ઘણી તકો મળી રહી છે જેનો લાભ લઈ પોતે સ્વનિર્ભર બની અન્ય મહિલાઓને આત્મનિર્ભર બનવા પ્રેરણારૂપ બની શકે છે.
        “નારી વંદન ઉત્સવ” ને અનુલક્ષીને જિલ્લા મહિલા સુરક્ષા અને બાળ અધિકારી શ્રીમતી હસીનાબેન મન્સુરીએ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક મહિલાઓને આગળ વધીને પોતાના પરિવાર સાથે સમાજ, રાજ્ય અને રાષ્ટ્રનું નામ રોશન કરે અને ગૌરવભેર જીવન જીવે તે માટે પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યુ હતુ. તેઓએ મહિલાઓની નેતૃત્વને કુદરત તરફથી મળેલ ભેટ તરીકે ગણાવતા જણાવ્યું કે, મહિલા જન્મતાની સાથે જ જવાબદારીથી બંધાઈ જાય છે. છતાં તમામ જવાબદારીઓ સાથે પણ આજે બહેન-દિકરીઓ આગળ વધી રહી છે. આજે તેઓ સરકારશ્રીના વિવિધ યોજનાકીય લાભો લઈ આગળ વધી રહી છે જે ખુબ જ સરાહનીય છે.
        “નારી વંદન ઉત્સવ”ને અનુલક્ષીને મહિલા નેતૃત્વ દિવસ નિમિત્તે મહિલાઓ કૃષિ તથા પશુપાલન ક્ષેત્રે વિકાસમાં નવીનતા લાવી ઉચ્ચ સિદ્ધી હાંસલ કરી અન્ય ખેડૂતો અને પશુપાલકો માટે પ્રેરણારૂપ બને તેવા ઉમદા હેતુ સાથે ૩૫ જેટલી મહિલાઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.
          આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી વિનોદભાઈ પટેલ, આત્મા પ્રોજેક્ટના જિલ્લા ડાયરેક્ટર શ્રી ડી.કે.સીનોરા, શ્રી રાજેન્દ્રભાઈ ગોહિલ, ડો. કે એચ. રાઠવા, સુશ્રી ખ્યાતિબેન પટેલ સહિત મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

IMG-20220804-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *