Gujarat

રાજકોટ ટ્રાફિકે સરકારી કચેરીમાં જઈ ૨૯૭૦૦ના પેન્ડિંગ ઈ-મેમો વસૂલ કર્યો

રાજકોટ
રાજકોટ શહેર ટ્રાફિક બ્રાંચ દ્વારા અને શહેર પોલીસ દ્વારા હાલમાં જે વાહન ચાલકોના અગાઉના ઇ-મેમો ચડત હોઇ તેની વસુલાતની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશને લીધે વાહનચાલકોમાં કચવાટની લાગણી પણ ફેલાયેલી છે. જાે કે વાહન ચાલકોના ઇ-મેમોના કરોડોના દંડ ચડત થઇ ગયા હોઇ પેન્ડીંગ ઇ-મેમોની વસુલાત માટે પોલીસ વધુ આકરી બની છે. અલગ અલગ પોઇન્ટ પર અનેક વાહનને ચેકીંગ માટે અટકાવાય અને ચેક કરવામાં આવે ત્યારે આગલા ઇ-મેમો ચડત હોય તો તે ભરપાઇ કરાવવાની કાર્યવાહી કરવામાં આવે છે. જે વાહન ચાલક દંડ ભરવા તૈયાર ન હોય તેના વાહન ડિટેઇન કરવામાં આવે છે. રાજકોટમાં ટ્રાફિક શાખાની અલગ અલગ ટીમ ઓચીંતી પોલીસ કમિશનર કચેરી તેમજ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પહોંચી હતી. અહિ પાર્ક કરાયેલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓના ફોરવ્હીલર, ટુવ્હીલર વાહનોના નંબરને આધારે તેના ઇ-મેમો પેન્ડીંગ છે કે કેમ? તેની ચકાસણી કરવામાં આવી હતી. તેમજ વાહનમાં કાળા કાચ હોય, નંબર પ્લેટ ન હોય, ફેન્સી નંબર પ્લેટ હોય તો તેના કેસ કરવામાં આવ્યા હતાં. આવા ૨૯ કેસ કરી રૂ. ૧૩૨૦૦ નો દંડ વસુલાયો હતો અને રૂ. ૨૯૭૦૦ પેન્ડીંગ ઇ-મેમો પેટે રીકવર કરાયા હતાં. આ સાથે અમુક મુલાકાતીઓ પોલીસ કમિશનર કચેરીએ આવ્યા હોઇ તેના વાહનો પણ આ ચેકીંગમાં ઝપટે ચડી ગયા હતાં. જે વાહનના ઇ-મેમો પેન્ડીંગ હોઇ અને તેના ચાલક હાજર ન હોય તેવા ૧૦ વાહનોને ટોઇંગ કરી લેવાયા હતાં. ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં અલગ અલગ પોલીસ સ્ટેશનો ખાતે પણ આ કામગીરી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *