વડોદરા
વડોદરાના ગોત્રી વિસ્તારમાં પિઝા હટમાં નોકરી કરતી સંગીતા (નામ બદલ્યું છે ) ને રહેવાની સગવડ ન હોવાથી ઓએલએક્સ પર રેન્ટ પર ફ્લેટ શોધી રહી હતી. જ્યાં એક યુવતી ૨ વર્ષથી એકલી રહેતી હતી. જેઓને ભાડામાં સવલત મળે એ હેતુથી બીજી ૩ યુવતીઓને સાથે રાખી હતી. જેઓ એકબીજાના મિત્ર બની રહેતા હતાં. જેમાંની એક યુવતી મોના (નામ બદલ્યું છે) અવારનવાર પોતાના બોયફ્રેન્ડને રૂમ પર લાવતી હતી. જે અન્ય યુવતીઓને પસંદ ન હતું. આ બાબતે તેઓએ મોનાને જણાવ્યું હતું કે, તારે અમારી સાથે રહેવું હોય તો તારા બોયફ્રેન્ડને રૂમ પર લાવવો નહીં. તેમ છતા તેનો બોયફ્રેન્ડ રૂમ પર આવી મોના સાથે મોડી રાત સુધી વાતચીત કરતો હતો. જેથી અન્ય યુવતીઓ પરેશાન થઇ ગઇ હતી. આ બાબતને લઇને તેઓ વચ્ચે ઝગડો થયો હતો. જેમાં મોનાના બોયફ્રેન્ડ પણ ઝઘડામાં પડતાં ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેથી અન્ય યુવતીઓએ મોનાને અત્યારે જ રૂમ ખાલી કરવા તાકીદ કરતા તેઓએ ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી મદદ માગી હતી. તુરંત જ અભયમ ટીમ રૂમ ઉપર પહોંચી ગઈ હતી અને તેઓનું અસરકારક કાઉન્સેલિંગ કરી માર્ગદર્શન આપવામાં આવેલ કે સાથે રહેવું હોય તો એક્બીજાને અનુકૂળ બની રહેવું જાેઈએ. આપણા કોઇ વ્યવહારથી અન્ય પાર્ટનર ડિસ્ટર્બ ન થાય તેની કાળજી લેવી જાેઈએ અને એક સારા મિત્રો બની સાથે રહેવું જાેઇએ. મોનાને પણ પુરુષ મિત્ર સાથે મર્યાદા પૂર્વક રહેવા અને રૂમ પર ન બોલાવવા જણાવ્યુ હતું. અન્ય મિત્રોને પણ મોનાને સુધરવા માટે એક તક આપવા જણાવતાં તેઓ સહમત થયા હતા. મોનાને પણ પોતાની ભુલ સમજાઈ હતી અને હવે પછી મારી કોઈ ફરિયાદ નહીં આવે તેની ખાતરી આપતા તમામ વચ્ચે સમાધાન કરાવી મૈત્રીપૂર્વક સાથે રહેવા સંમત થયા હતાં.વડોદરામાં પેઇન ગેસ્ટ તરીકે સાથે રહેતી યુવતીઓ પૈકી એક યુવતી પોતાના બોયફ્રેન્ડને બોલાવી મોડી રાત સુધી વાતો કરતી હતી. આ બાબત અન્ય બે યુવતીઓને પસંદ ન પડતા બોયફ્રેન્ડને બોલાવનાર યુવતી સાથે ઝઘડો થયો હતો. અભયમ ટીમે પહોંચીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.


