સાબરકાંઠા
સાબરકાંઠા જીલ્લાના હિમતનગરના બ્રહ્માણીનગરમાં રહેતા રીક્ષા ચાલકને એક મહિના પહેલા ઘરે બોલાવી હની ટ્રેપમાં ફસાવી નગ્ન વીડિઓ ઉતારી રૂ. ૮૦ હજાર પડાવી લેતા યુવક-યુવતી સામે હિંમતનગર બી-ડીવીઝનમાં ફરિયાદ નોંધાઇ છે. ૫ દિવસમાં હની ટ્રેપની પ્રથમ ફરિયાદ નોંધાઇ હતી, ત્યારબાદ બીજી ફરિયાદ નોંધાઇ છે. હિમતનગરના બ્રહ્માણીનગરમાં રહેતા નટવરજી ઈશ્વરજી ઠાકરડા જેઓ ધાણધા ફેક્ટરીમાં ચોકીદારની નોકરી કરતા અને રીક્ષા ફેરવે છે. ત્યારે એક મહિના પહેલા બ્રહ્માણીનગરમાં રહેતી હીના હુસૈન શેખે નટવરજીને બજાર જવા માટે રીક્ષા ઘરે બોલાવી હતી. જેને લઈને રીક્ષા લઈને ઘરે ગયેલ નટવરજીને થોડી વાર લાગશે તેમ કહી ઘરમાં બેસાડ્યાં હતા. ત્યારબાદ નકલી પતિ બની આવેલો રફીક મોહમ્મદ હનીફ શેખે નટવરજીને માર મારી ધમકાવ્યો હતો અને પેન્ટ કઢાવી નગ્ન કરી વીડિઓ ઉતારી લીધો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની અને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. રાફીકે પોતાના મોબાઈલમાં નગ્ન અવસ્થાનો વિડીઓ નટવરજીની મરજી વિરુદ્ધ ઉતારી રાખ્યો હતો. નટવરજી પાસેથી રોકડ રૂ. ૨૦ હજાર અને તેની પત્નીના એકાઉન્ટમાંથી રૂ. ૬૦ હજાર એટીએમથી ઉપાડી કુલ રૂ. ૮૦ હજાર બળજબરી પૂર્વક કઢાવી પડાવી લીધા હતા. બીજા વધુ પૈસાની માંગણી કરી બ્લેક મેઈલ કરતો હતો. જેને લઈને આખરે નટવરજી ઠાકરડાએ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બદનામી થવાના બીકના કારણે નટવરજીએ આજ સુધી ફરિયાદ આપી નથી. પરંતુ આખરે પરિવારજનોની હિમત બાદ હનીટ્રેપ કરનારા યુવક-યુવતી સામે ફરિયાદ નોંધાવી છે. તો ૫ દિવસ પહેલા બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પોલોગ્રાઉન્ડના યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા અને સોનાનો દોરો પડાવી લીધો હતો તેની ફરિયાદ નોંધાઇ હતી. જેને લઈને પોલીસે યુવક-યુવતીને ઝડપી લીધા હતા. ત્યારબાદ કોર્ટમાં રજુ કરતા એક દિવસના રિમાન્ડ મળ્યાં હતા. રિમાન્ડ પૂર્ણ થતા યુવતીને સાબરમતી અને યુવકને હિંમતનગર સબજેલમાં મોકલી આપ્યાં છે..ત્યારબાદ યુવક-યુવતી સામે બીજી ફરિયાદ નોંધાઇ છે. ત્યારે તેની તપાસ હિંમતનગર સી.પી.આઈ કરી રહ્યાં છે. ત્યારે હવે ફરીથી યુવક-યુવતીની ધરપકડ કરવામાં આવશે.


