અમદાવાદ
અમદાવાદમાં નશો કરનારા લોકો અલગ-અલગ પ્રકારે ગમે તેમ નશો કરી લેતા હોય છે તેમાં ખાસ કરીને હાલ હુક્કા અને ઈ સિગારનું ચલણ વધી રહ્યું છે. સમાન્ય રીતે જે વસ્તુ પર પ્રતિબંધ છે તેવી વસ્તુઓ અમદાવાદમાં પાનના ગલ્લાઓમાં સરળતાથી મળી જાય છે અને લોકો મોજ શોખ માટે કે એકબીજાની દેખાદેખીમાં આ પ્રકારનો નશો કરતા થઈ ગયા છે. છેલ્લા ઘણા સમયથી પોલીસ તેમજ અલગ-અલગ એજન્સીઓ આ દિશામાં કામ કરી રહી છે ત્યારે અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઇ સિગારનો જથ્થો મળી આવ્યો છે. એસઓજીની ટીમે હાલ ૪૦ હજારથી વધુના મુદ્દામાલ સાથે બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં ક્રેઝી ટાઉન પાન અને જ્યુસ વર્લ્ડ નામની દુકાનમાંથી ૩૭ ઇ સિગાર અને તેની રિફિલ મળી આવી હતી. ઇ સિગાર પર પ્રતિબંધ હોવા છતાં તે લોકો વેચી રહ્યા હતા. આ વાતની જાણ એસઓજીને થતા તેમણે ત્યાં દરોડા પાડી પ્રતિબંધિત વસ્તુઓ કબજે કરી છે. હાલ આ સંદર્ભે બે આરોપી શાહીબાગ વિસ્તારમાં રહેતા સંયમ મરડિયા અને સરદાર નગર વિસ્તારમાં રહેતા અજય નોઢવાણીની ધરપકડ કરી છે. સિગારના કારણે ફેફસામાં ખૂબ ખરાબ અસર થતી હોય છે. તેમજ તેની અંદરની નિકોટીન રિફિલ શરીરના અંદરના ભાગોને ખૂબ જ નુકસાન કરતી હોવાના કારણે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ થોડાક રૂપિયાના નફા માટે લાલચુ લોકોની જિંદગી સાથે રમતા પણ ખચકાતા નથી. હવે આ લોકો સામે કડક કાર્યવાહી કરવા માટે પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યો છે.


