અમરેલી
અમરેલી જિલ્લામાં સિંહની વસતી વધી રહી હોય સિંહ શિકારની શોધમાં જંગલ વિસ્તારની બહાર આવી રહ્યા છે. રાજુલા, જાફરાબાદ પંથકમાં અવારનવાર સિંહ જંગલની નજીકના ગામડાઓમાં આવી ચડતા હોય છે. જિલ્લામાં હાઈવે પર સિંહ આવી જતાં હોવાના કારણે અકસ્માતનો ભય પણ રહેલો છે.અમરેલી જિલ્લામાં સિંહની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તો સાથે ગ્રામ્ય વિસ્તારમાં અને હાઈવે પર અવારનવાર સિંહના આંટાફેરાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. જિલ્લાના અમરેલી-લીલીયા સ્ટેટ હાઈવે પર પાંચ સિંહનું એક ગ્રુપ શિકારની શોધમાં આવી ચડ્યું હતું. આ સમયે અહીંથી પસાર થતા વાહનચાલકોએ સિંહનો વીડિયો બનાવ્યો હતો. જે સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. પાંચ સિંહની લટારનો જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે તે અમરેલી-લીલીયા સ્ટેટ હાઈવે પરનો છે. અહીં રાત્રિના સમયે પાંચ સિંહનું ગ્રુપ હાઈવે પર પસાર થતું જાેવા મળી રહ્યું છે. આ જ સમયે અહીંથી પસાર થતા વાહનચાલકોએ સિંહના દ્રશ્યોને કેમેરામાં કેદ કર્યા હતા. થોડીવાર માટે રસ્તા પર ચાલ્યા બાદ સિંહનું ગ્રુપ રસ્તાની બાજુ પર ઉતરી જંગલ વિસ્તારમાં ચાલ્યું ગયું હતું.


