આજે તા. ૩૦/૦૬/૨૦૨૨ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે છોટાઉદેપુર ખાતે આવેલા દરબાર હોલમાં રાજયના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ રાજયમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી નિમિષાબેન સુથારના હસ્તે છોટાઉદેપુર જિલ્લાના ૧૭ ગ્રામ સંગઠન અને ૬ સખીમંડળોને રૂા. ૨.૩૭ કરોડના કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને કેશ ક્રેડિટનું વિતરણ કરવામાં આવશે.
સરકાર દ્વારા ગ્રામીણ મહિલાઓ આર્થિક ઉપાર્જન કરી આત્મનિર્ભર બને એ માટે દિનદયાલ અંત્યોદય યોજના અંતર્ગત રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અન્વયે મિશન મંગલમ્ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત મહિલા સ્વ સહાય જૂથોને સરકાર તરફથી કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને કેશક્રેડિટ આપવામાં આવે છે. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના ૧૭ ગ્રામ સંગઠનોને રૂા. ૨.૨૦ કરોડનું કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને ૬ સખીમંડળોને રૂા. ૧૭.૭૦ કરોડની કેશક્રેડિટની ચુકવણી કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં મંત્રી નિમિષાબેન સુથારની સાથે છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, સાંસદ ગીતાબેન રાઠવા અને સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઇ તડવી પણ ઉપસ્થિત રહેશે.
આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ રાજયમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમમાં નગરજનોને ઉપસ્થિત રહેવા આયોજકો તરફથી નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
