છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાજયના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબિબી શિક્ષણ રાજયમંત્રી નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત યોજના અંતર્ગત આજે સમગ્ર રાજયમાં પચાસ લાખ લોકોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ વિતરણ કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યું હતું. જેનું રાજયના તમામ તાલુકાઓમાં યોજાયેલા કાર્યક્રમોમાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.
છોટાઉદેપુર જિલ્લા કક્ષાના કવાંટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજયમંત્રી નિમિષબેન સુથારે ઉપસ્થિત રહી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડનું વિતરણ કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મેદનીને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે, સૌ લોકો સુખી અને નિરોગી રહે એ માટે સરકારે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી છે. જે પૈકી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એ દેશના ગરીબ લોકો માટે આશિર્વાદરૂપ યોજના છે એમ જણાવ્યું હતું.
વધુમાં તેમણે દરેક વ્યક્તિ કે જે આ યોજનાનો લાભ મેળવવા યોગ્ય છે તેમણે આ યોજના અંતર્ગત કાર્ડ મેળવી લેવું જોઇએ એમ કહી તેમણે આ યોજના હેઠળ લાભાર્થીને રૂા. ૫ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે એમ કહ્યું હતું.
રાજયના તમામ તાલુકા મથકોએ આયોજીત પ્રધાનમંત્રીના વર્ચ્યુઅલ કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના છએ છ તાલુકા મથકોએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના છ તાલુકામાં યોજાયેલા આ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ વિતરણ કાર્યક્રમ દરમિયાન સાત હજાર કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ.આર.ચૌધરીએ કાર્યક્રમનો ઉદ્દેશ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કાર્ડ વિતરણ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે તેમજ અહીંથી કાર્ડ પણ વિતરણ કરવામાં આવશે એમ જણાવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ મલકાબેન પટેલ, સાંસદ શ્રીમતિ ગીતાબેન રાઠવા, જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ, અધિક નિવાસી કલેકટર આર.કે.ભગોરા, ખેતીવાડી અધિકારી કૃણાલભાઇ પટેલ, અન્ય અધિકારીઓ, પદાધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


