રાજકોટ
ગોંડલના વોરાકોટડા ગામમાં રહેતા અને ગીર ગૌ જતન સંસ્થા ગૌશાળાના ચેરમેન રમેશભાઈ રૂપારેલિયાને તેમની ગૌ નિષ્ઠા પ્રતિ લગાવ, ગૌપ્રેમ અને ગૌધન માર્ગદર્શનની ઊંડી સમજથી સમગ્ર ગુજરાત જાણકાર છે. તેમની અનેકવિધ પ્રવૃત્તિઓની આખા ભારતમાં નોંધ છે. તેઓ અત્યાર સુધીમાં અનેક દેશો સાથે ગૌસંવર્ધન અને પ્રોડક્ટના માધ્યમથી ગુજરાતને પ્રથમ હરોળમાં લાવ્યા છે. જેની નોંધને તાજેતરમાં યોજાયેલ એક કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે તેમને ‘ઇન્ડિયા એનિમલ હેલ્થ એવોર્ડ ૨૦૨૨’ એનાયત થયો હતો. જે જરાત તેમજ ગોંડલ માટે ગૌરવની વાત છે. આ એવોર્ડ મેળવનાર તેઓ પ્રથમ છે. ઉલ્લેખનીય છે કે, રમેશભાઈએ એક વર્ષમાં વર્ષમાં ગૌશાળામાંથી ૪ કરોડનું ટર્નઓવર કર્યું હતું. ૧૫૦ ગીર ગાય સાથે ગૌશાળા ચલાવી રહ્યા છે રમેશભાઈ રૂપારેલિયા ૧૫૦ ગીર ગાય સાથે ગૌશાળા ચલાવી રહ્યા છે. આ ગાયના પંચગવ્યમાંથી અલગ અલગ પ્રોડક્ટ બનાવી ગૌશાળાએ આશરે ચાર કરોડ રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર હાંસલ કર્યું છે. અહીં ઘીનો ભાવ સાંભળી ચક્કર આવી જાય, કારણ કે એક કિલોનો ભાવ ૭૦૦૦થી લઈને ૫૦,૦૦૦ હજાર રૂપિયા સુધીનો છે. આ ગૌશાળામાં બનતી ૧૭૦ પ્રોડક્ટ ૧૨૩ દેશમાં નિકાસ થાય છે. રમેશ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે, ગાયનું નામ પડે એટલે ધાર્મિક વાતો યાદ આવે. ગાયને હંમેશાં ધાર્મિક દૃષ્ટિએ જાેવામાં આવે છે, પરંતુ ગાય એ આવકનું પણ સર્વશ્રેષ્ઠ સાધન છે. જાે ગાયના પંચગવ્યનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો નાના ઉદ્યોગને પણ પાછળ રાખી દે એટલી આવક થકી થઇ શકે છે. આ વાત અમે સાબિત કરી બતાવી છે. દેખાવમાં જૂના જમાનાની યાદ અપાવતી ગૌશાળા વાસ્તવિકતામાં આજના ઉદ્યોગોને પણ આવકમાં પાછળ રાખી દે છે. ગત નાણાકીય વર્ષમાં આ ગૌશાળાએ ચાર કરોડ રૂપિયાનું ટર્નઓવર હાંસલ કર્યું છે. આપણે ત્યાં ઉદ્યોગમાં બનતી વસ્તુઓ વિદેશમાં નિકાસ થાય છે એ તો આપણે સાંભળ્યું છે, પરંતુ ગૌશાળામાં બનતી વસ્તુઓ વિદેશમાં નિકાસ થાય છે એ વાત સાંભળીને તમને પણ નવાઈ ચોક્કસ લાગશે. અમેરિકા, યુકે, ન્યૂઝીલેન્ડ, ઓમાન, યુએઈ, અરબ સહિતના દેશોમાં અહીં બનતી વસ્તુઓની નિકાસ થાય છે. બીજી નવાઈની વાત એ છે કે આ ગૌશાળામાં કોમ્પ્યુટર એન્જિનિયરથી લઈને ૨૦ જેટલા કોમ્પ્યુટર ઓપરેટર ગૌશાળામાં નોકરી કરે છે. અહી ૧૦૦ જેટલા લોકો નોકરી કરે છે, જેમાં ૬ હજારથી લઈને ૧,૮૦,૦૦૦ રૂપિયાના પગારદાર નોકરી કરે છે.


